GCAS પોર્ટલના છાબરડાથી અનેક લાયક વિદ્યાર્થીઓ કોલેજ એડમિશનથી વંચિત , NSUI કર્યો ઉગ્ર વિરોધ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમા GCAS પોર્ટલથી એડમિશન પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે, તેમાં અનેક ખામીઓ સામે આવતા હોશિયાર વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેવા પામ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કરવામા આવ્યા હતા. તો બીજી તરફ, વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમા રાખતા સીટો વધારવા અંગે વિચારણા ચાલી રહી હોવાનુ યુનિવર્સીટીના કુલપતિએ જણાવ્યુ હતુ.
તમામ યુનિવર્સિટીઓમા એક સાથે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે માટે રાજ્ય સરકારે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ GCAS પોર્ટલથી એડમિશન કરવાનુ આયોજન કર્યુ હતુ. પરંતુ, GCAS પોર્ટલમાં અનેક ખામીઓ હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવા પામ્યા છે. NSUI અને યુથ કોંગ્રેસે આ મામલે યુનિવર્સીટીમાં દેખાવો કર્યા હતા. NSUIએ આક્ષેપ કર્યો કે ખાનગી યુનિવર્સીટીઓને ફાયદો કરાવવાના હેતુથી સમગ્ર પ્રક્રિયા ધીમી ગતિએ અને ખામી યુક્ત ચલાવવામા આવી રહી છે.
ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યુ હતુ કે GCAS પોર્ટલને કારણે આજે અનેક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે અને હોશિયાર વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. યુથ કોગ્રેસે માંગ કરી છે કે કોલેજોમાં કેટલી સીટો ખાલી છે તેનુ સીટ મેટ્રીક્સ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાવું જોઇએ. ઉપરાંત, એસટી, એસસી અને ઓબીસી અનામતની કેટલી સીટો ભરાઇ છે અને કેટલી સીટો હજુ ખાલી છે તે અંગે પણ યુનિવર્સિટીએ માહિતી આપવી જોઇએ. જેથી, કરીને વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે. સંગઠને એમ પણ આક્ષેપ કર્યો કે આજે અસંખ્ય ગુજરાતી માઘ્યમની શાળાઓ બંધ થઇ ગઇ છે. પરંતુ, યુનિવર્સિટીએ ઇગ્લીશ મીડિયમની બેઠકોમાં કોઇ વધારો કર્યો નથી.
તો બીજી તરફ, ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજો પાસેથી વિદ્યાર્થીઓના ફોર્મની વિગતો માંગવામા આવી છે. જે પણ એડમિશન અનામત કેટેગરી અંતર્ગત આપવામા આવ્યા છે અને તેમાં જે સીટો ખાલી રહી છે તે સીટોને અન્ય કેટેગરીમાં કન્વર્ટ કરવામા આવનાર છે. ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના છે અને પ્રવેશથી વંચિત છે ત્યારે તેની સીટો પણ વધારવામા આવશે.