December 25, 2024

અમરેલીમાં ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગના દરોડા

દશરથ રાઠોડ, અમરેલી: અમરેલીમાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા જોરદાર એક્શન કરીને ખનન માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. જેમાં, ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન અટકાવી 4 ટ્રેક્ટર ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લામાં નાના લીલીયામાં કરજાળા નદીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જેમાં, ખાણ ખનીજ વિભાગે 4 ટ્રેકટરો ઝડપી પાડ્યાં હતા. તો સાથે સાથે, નાના લીલીયામાં રેતી ચોરી કરતું ડમ્પર ટ્રક પણ પકડી પાડવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.

તો આ મામલે ભાજપના નેતા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં આજે ખાણખનીજ વિભાગની કાર્યવાહીને લઈને ભાજપના નેતા તેમજ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરા દ્વારા તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હિરેન હિરપરાએ આરોપો લગાવતા કહ્યું છે કે ઇકો સેન્સીટીવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે. પરમીટો આપવાના નામે અધિકારીઓની મીલીભગતથી રેતી માફિયા ઓને ખુલ્લેઆમ પીળો પરવાનો આપે છે. રહેણાંકી મકાનો બનાવવા માટે લીઝો આપવાનો પેન્ડિંગ પ્રશ્ન છે તેમાં તંત્ર ધ્યાન નથી આપતું. વધુમાં, ખેડૂતો કે માલધારીએ રેતી, માટી કે મોરમ પોતાના ખેતરો માટે ત્યારે તંત્ર શુરા બનીને ટ્રેકટરો ડીટેઇન કરે છે. અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે આ તંત્રને સુધારવું જોઈએ તેમ જણાવ્યું હતું.