September 13, 2024

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે ગુજરાતની શાળાઓમાં રજા જાહેર કરવા માંગ

દેશભરમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને તડામાર તૈયારીઓ ચાલું છે. આ વચ્ચે હવે અમદાવાદ તેમજ સુરત સહિત અલગ-અલગ વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજા જાહેર કરવા માટે માંગ થઇ રહી છે. અલબત્ત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે ત્યારે તમામ રાજ્યોમાં એક એનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદ અને સુરત શિક્ષક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. આ પત્રમાં મ્યુનિસિપલ શિક્ષક મંડળે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વને પગલે રજા જાહેર કરવાની માંગ કરી છે. મુખ્ય મંત્રીને લખવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઇ રહ્યો છે. જ્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે મહોત્સવને ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. તો સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ શ્રી રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તે માટે લોકોની આસ્થાને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કુલોમાં 22 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.

તો બીજી તરફ 22 જાન્યુઆરીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિશષ્ઠાને લઇ 22 જાન્યુઆરીના રોજ ચેરમેને નિર્ણય લીધો છે કે યાર્ડમાં તમામ કામગીરી બંધ રાખવામાં આવશે. આ ઉજવણીમાં યાર્ડના ડાયરેક્ટરો, ખેડૂતો અને કર્મચારીઓ હાજર રહેશે અને APMC માં દીપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં આવશે. તેમજ ચેરમને બોટાદની જનતાને પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આજે ભગવાન રામલાલની પ્રતિમા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થવાની છે. આ માટેનો શુભ સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય બપોરે 1.20 થી 1.28 સુધીનો છે. તમામ 131 વૈદિક પૂજારી બપોરે 12 વાગ્યે રામજન્મભૂમિ ગર્ભગૃહમાં પહોંચશે. આ મુહૂર્તમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 24 અલગ-અલગ પદ્ધતિઓથી પૂજા પ્રક્રિયા શરૂ થશે. રામલલાની મૂર્તિ ગત રાત્રે રામ મંદિર પરિસરમાં પહોંચી હતી. ક્રેનની મદદથી પ્રતિમાને પરિસરમાં લાવવામાં આવી હતી. આ મૂર્તિને આજે ગર્ભગૃહમાં સ્થાપિત કરવાની છે. મૂર્તિને ગર્ભગૃહમાં લાવતા પહેલા વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ગર્ભગૃહમાં રામલલાનું સિંહાસન પણ બનાવવામાં આવ્યું છે. મકરાણા પથ્થરથી બનેલા સિંહાસનની ઊંચાઈ 3.4 ફૂટ છે. આ સિંહાસન પર ભગવાનની મૂર્તિ બિરાજમાન હશે. ત્યારબાદ ભક્તો આ પ્રતિમાના દર્શન કરી શકશે.