December 19, 2024

આર્થિક સંકટની વચ્ચે પાકિસ્તાન કરન્સી પર નેતાના ફોટોને બદલવાની માગ

Pakistani Currency: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેની જમીની નાણાકીય સમસ્યાઓ હલ કરવાને બદલે અહીં એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. એક તરફ પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાતચીતની તૈયારી કરી રહ્યું છે. જેમાં નવા રાહત પેકેજ મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. બીજી તરફ પાકિસ્તાનના મુખ્ય રાજકીય પક્ષો પાકિસ્તાની ચલણ એટલે કે પાકિસ્તાની રૂપિયા પર ચિત્ર બદલવાની માંગ કરી રહ્યા છે. રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે પણ રવિવારે કહ્યું હતું કે, દેશમાં આર્થિક સ્થિરતા લાવવા માટે ખાનગીકરણ જરૂરી છે.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની તસવીર લગાવવાની માગ
પાકિસ્તાનની મુખ્ય રાજકીય પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની ચલણી નોટો પર ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની તસવીર લગાવવાની માગ કરી છે. PPP એ પાકિસ્તાન સરકાર પાસે પાર્ટીના સ્થાપક ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને રાષ્ટ્રીય લોકતાંત્રિક નાયક તરીકે જાહેર કરવાની માગ કરતો ઠરાવ અપનાવ્યો છે.

આ પણ વાંચો: શક્તિમાન બની લિફ્ટ, નીચેથી હાઈ સ્પીડમાં પહોંચી 25માં માળે

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને નિશાન-એ-પાકિસ્તાન આપવું જોઈએ
PPPએ રવિવારે ‘ભુટ્ટો સંદર્ભ અને ઇતિહાસ’ નામના સેમિનાર દરમિયાન આ ઠરાવ પસાર કર્યો હતો. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિશે ચર્ચા થઈ. અહીં તેમને “કાયદ-એ-આવામ” (લોકોના નેતા) નું બિરુદ આપવા અને તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન આપવા માટે પાકિસ્તાન સરકાર પાસે માંગણી કરતી દરખાસ્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનની ચલણી નોટો પર ભુટ્ટોની તસવીર લગાવવાની માગણી ઉપરાંત, ઠરાવમાં ભુટ્ટોના સન્માનમાં યોગ્ય સ્મારક બનાવવા અને તેમની સમાધિને રાષ્ટ્રીય તીર્થ સ્થળ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મહત્વનું છે કે, માર્ચ 2024 માં જ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે PPPના સ્થાપક ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વિરુદ્ધ જે કેસને કારણે તેમને ફાંસી આપવામાં આવી હતી તે ખોટો હતો. પીપીપીએ કબૂલાતની પ્રશંસા કરી અને કહ્યું કે ભુટ્ટોની ફાંસીની સજા પાછી ખેંચી લેવા અને લોકશાહી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા કાર્યકરો માટે “ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એવોર્ડ” ની સ્થાપના કરવી જોઈએ.