કડાણા ડેમનો આહલાદક નજારો, 15 દરવાજા તિરંગાના રંગે રંગાયા
મહીસાગર: ગુજરાતભરમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના લગભગ તમામ ડેમો છલકાઈ ગયા છે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થતાં ડેમોના દરવાજા ખોલીને જળસ્તર જાળવી રાખવામાં આવી રહ્યું છે ત્યારે, મહીસાગર જિલ્લાના કડાણા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે કડાણા ડેમના આલ્હાદક દૃશ્યો જોવા મળ્યા છે.
મહીસાગર જિલ્લાના કડાણા ડેમ ખાતે અદભૂત રોશની કરવામાં આવી છે જેને લઈને કડાણા ડેમ તિરંગાના રંગમાં રંગાઈ ગયો છે. હાલ, કડાણા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે જે ત્રિરંગાના રંગમાં રંગેલા જોવા મળી રહ્યા છે. કડાણા ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, હાલ કડાણા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની ભરપૂર આવકને લઈ ડેમના 11 ગેટ 8 ફૂટ અને સ્લીપવેલના 4 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના ઉપરવાસમાંથી થઈ રહેલે સતત પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના કુલ 15 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં થયેલ ભારે વરસાદ બાદ કડાણા ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ગયો હતો. જેને પગલે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી, તકેદારીના ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા તેમજ નદી કાંઠાના ડુબક પુલો પર મહીસાગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.