June 26, 2024

Delhi Water Shortage: હવે દિલ્હીના VIP વિસ્તારોમાં પણ જળસંકટ, NDMCની એડવાઇઝરી જાહેર

Delhi Water Shortage:  અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે છતાં દિલ્હીમાં જળસંકટનો કોઈ જ ઉપાય નથી મળી રહ્યો. અનેક વિસ્તારોને ડ્રાય ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને લોકો પાણી માટે તરસી રહ્યા છે. ત્યારે હવે, દિલ્હીના VIP વિસ્તારોમાં પણ જળસંકટ  તોળાઈ રહ્યું છે. NDMCએ લુટિયંસ ઝોન વિસ્તારમાં પાણીની અછતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. NDMCના અધિકારીઓએ સોમવારે જણાવ્યું છે કે તિલક માર્ગ અને બંગાળી માર્કેટ ભૂમિગત જળાશયોને દિલ્હી જળ બોર્ડ તરફથી ઓછામાં ઓછું પાણી મળી રહ્યું છે, જેને કારણે લુટિયંસ દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો પ્રભાવિત થશે.

દિવસમાં એક જ વાર અપાશે પાણી

અધિકારીઓએ જણાવ્યું છે કે દિલ્હી જળ બોર્ડ તરફથી પાણીનો પુરવઠો નહિ મળવાને કારણે તિલક માર્ગ અને બંગાળી માર્કેટના ભૂમિગત જળાશયોમાં પાણીનો સ્ટોકમાં 40% જેટલો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે વજીરાબાદ વોટરમાં ઓછી ઉત્પાદન ક્ષમતા છે. વજીરબાદ વોટર પ્લાન્ટમાં કાચા પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો થવાને કારણે ઉત્પાદન પર અસર થઈ છે. પ્રભાવિત વિસ્તારોમાં દિવસમાં એક જ વાર પાણી આપવામાં આવશે. એટલે કે માત્ર સવારના સમયે જ પાણી સપ્લાય કરવામાં આવશે.

NDMCએ લોકોને કરી પાણીની બચત કરવા અપીલ

NDMCએ દિલ્હીની જનતાને પાણીની બચત કરવા માટે અપીલ કરી છે. દિલ્હીવાસીઓને કહેવામાં આવ્યું છે કે મર્યાદિત પાણીનો પુરવઠો હોવાને કારણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ મહત્વનો છે. પાણીનો વેડફાટ રોકવા માટે તુરંત લીકેજ ઠીક કરાવવામાં આવે. જળ કુશળ પધ્ધતિઓ અને પુન: ઉપયોગની રીતોનો ઉપયોગ કરવો. કાર ધોવા જેવા પાણીના બિનજરૂરી ઉપયોગો ટાળવા. ભૂગર્ભ જળના પુનઃઉત્થાન અને ટપક સિંચાઇની પધ્ધતિઓ લાગુ કરવામાં આવે. તો સાથે સાથે, જળ સ્ત્રોત પ્રદૂષણ મુક્ત રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે.