December 26, 2024

Delhi-Varansi ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાતથી મુસાફરોમાં ફફડાટ

નવી દિલ્હીઃ વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. વિમાનને તપાસ માટે આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે, બોમ્બના સમાચાર અફવા છે. પરંતુ બોમ્બના સમાચાર બાદ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો.

સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E2211ના ટોઈલેટમાં બોમ્બ લખેલું એક ટિશ્યૂ પેપર મળ્યું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક તપાસ ચાલુ કરી દીધી હતી. તે દરમિયાન બોમ્બ મૂકવાની વાત અફવા નીકળી હતી.


બોમ્બની માહિતી મળતાંની સાથે જ તમામને ઈમર્જન્સી ગેટ દ્વારા ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર આજે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ક્યૂઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને ઈમર્જન્સી દરવાજાથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.