દિલ્હીમાં ઇમારત ધરાશાયીમાં 11 લોકોના મોત, PM મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી છે. દયાલપુર વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે.

પીએમ મોદીએ કહ્યું, ‘ઉત્તર-પૂર્વ દિલ્હીના દયાલપુર વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાથી થયેલા મૃત્યુથી હું દુઃખી છું.’ જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહ્યું છે.

આ ઉપરાંત પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલો અને મૃતકોના પરિવારજનોને સહાયની પણ જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNF) તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

બિલ્ડિંગ માલિકના પરિવારના 6 સભ્યોના મોત
શનિવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ઉત્તર-પૂર્વ દિલ્હીના શક્તિ વિહાર વિસ્તારમાં 20 વર્ષ જૂની ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમારતમાં 22 લોકો હતા. જેમાંથી મોટાભાગના થોડા પરિવારોના સભ્યો હતા. ઇમારત ધરાશાયી થવાના કારણે મૃત્યુ પામેલા 11 લોકોમાં ઇમારતના માલિક તહસીન અને તેમના પરિવારના છ સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટનો ‘વૈભવ’, 14 વર્ષના આ ટેણિયાએ ભૂક્કા કાઢ્યા

પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 3:02 વાગ્યે દયાલપુર પોલીસ સ્ટેશનને ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી, ત્યારબાદ પોલીસની એક ટીમ શક્તિ વિહાર લેન નંબર 1 પર પહોંચી, જ્યાં 22 લોકો કાટમાળ નીચે દટાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે NDRF, દિલ્હી ફાયર સર્વિસ (DFS) અને એમ્બ્યુલન્સ સેવાઓની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી બહાર કાઢ્યા બાદ ઘાયલોને GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.