December 26, 2024

દિલ્હી-NCRમાં હવામાનમાં અચાનક ફેરફાર, ધૂળની ડમરીઓ સાથે વરસાદ

Delhi NCR Weather: દિલ્હી-NCRમાં હવામાનના મિજાજમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે દિલ્હીમાં આંધી અને હળવા વરસાદની આગાહી કરી હતી. વાવાઝોડાને લઈને સમગ્ર દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં આવેલા આ અચાનક બદલાવ બાદ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળતી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ અહીંનું વાતાવરણ એકદમ સુંદર બની ગયું છે. અગાઉ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી હતી. જો કે, હવામાનમાં આ ફેરફાર પહેલા હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી હતી. જો કે આ વરસાદ બાદ દિલ્હીવાસીઓને ભેજનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તીવ્ર ગરમી બાદ અહીં વરસાદ પડ્યો હતો જેના કારણે ભેજ વધી શકે છે.

આ પણ વાંચો: સુરત લોકસભા ચૂંટણી પર રાહુલ ગાંધી ભડક્યા તો કેન્દ્રીય મંત્રીએ આખો ઈતિહાસ જણાવી દીધો

આ પહેલા સોમવારે પણ રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. IMD અનુસાર, દિલ્હીના જાફરપુરમાં 2.5 મીમી, મુંગેશપુરમાં 4 મીમી, નરેલામાં 5 મીમી, પીતમપુરામાં 2 મીમી, પુસામાં 3.5 મીમી, મયુર વિહારમાં 2 મીમી અને રાજઘાટમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.