દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયું; હવામાન વિભાગનું રેડ એલર્ટ

Delhi Rain: શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યાં છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો અને હવામાન ખુશનુમા બન્યું છે. જો કે, વરસાદને કારણે સવારે ઓફિસ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેનાથી સામાન્ય જનજીવન ખોરવાયું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) રાજધાની દિલ્હી માટે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
પાલમ હવામાન કેન્દ્રે 74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પુષ્ટિ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગનું રેડ એલર્ટ
IMDએ જણાવ્યું હતું કે, આગામી 2 કલાક દરમિયાન દિલ્હીમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુરુવારે દિલ્હીના મુખ્ય હવામાન કેન્દ્ર સફદરજંગમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. ત્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. સવારે 8.30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા હતું, જે સાંજે 5.30 વાગ્યે ઘટીને 43 ટકા થઈ ગયું હતું.