September 20, 2024

વરસાદથી દિલ્હી-NCRના હાલ બેહાલ , ક્યાંક વૃક્ષ ધરાશાયી તો ક્યાંક ટ્રાફિક જામ

Delhi: દિલ્હી અને NCR (નેશનલ કેપિટલ રિજન)માં સતત ભારે વરસાદ લોકો માટે આફત બની ગયો છે. વરસાદના કારણે રસ્તા પર જામ છે. જ્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ગુરુવારે મોડી રાતથી દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે પણ દિલ્હી અને એનસીઆરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો.

ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રે ગુરુવારે દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ રાજધાનીના અન્ય ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે.

જાણો ક્યાં છે ટ્રાફિક જામ, શું છે દિલ્હી-NCRમાં સ્થિતિ
દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે, ખાનપુરથી શૂટિંગ રેન્જ ટી-પોઈન્ટ તરફ એમબી રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક પ્રભાવિત થયો છે. કૃપા કરીને તે મુજબ તમારી મુસાફરીનું આયોજન કરો.

રાષ્ટ્રીય રાજધાનીમાં સતત ભારે વરસાદ બાદ ધૌલા કુઆનમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ધૌલા કુઆન પાસે શંકર વિહારમાં ટ્રાફિક જામ છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી છે.

ITO
જ્યારે પણ દિલ્હીમાં વરસાદ પડે છે ત્યારે ITOમાં લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. કલાકોથી પડી રહેલા વરસાદને કારણે ITO રીંગરોડનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે.

મહેરૌલી-બદરપુર ટિગરી રોડ
સતત વરસાદને કારણે સવારથી મેહરૌલી-બદરપુર ટિગરી રોડ પર જામ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુડગાંવ
બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે પડેલા વરસાદને કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પણ પ્રભાવિત થયો છે અને લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને પણ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણને કારણે ઘટી રહ્યું છે દિલ્હીવાસીઓનું આયુષ્ય, 12 વર્ષ સુધી ઓછી થઈ શકે ઉંમર

ફરીદાબાદ
વરસાદના કારણે પાણી ભરાવાના કારણે જુના અંડરપાસ અને NHPC અંડરપાસ બંધમાં પાણી ભરાયા છે. જેના કારણે અહીં ટ્રાફિકને અસર થઈ હતી અને કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા.

ગાઝિયાબાદ
ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી રહી છે. ટ્રાફિક જામના કારણે લોકો ઓફિસે મોડા પહોંચી રહ્યા છે.