દિલ્હી-NCRમાં પારો ગગડીને 3.2 સુધી પહોંચ્યો, ધુમ્મસ-કોલ્ડ વેવની ચેતવણી
નવી દિલ્હીઃ પહાડોમાં હિમવર્ષાના કારણે ત્યાંથી આવતા ઠંડા પવનોએ સમગ્ર દેશમાં શીતલહેર ફેલાવી છે. તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીમાં પણ ઠંડીમાં વધારો થયો છે. રાત્રીના સમયે ઠંડીથી બચવા લોકો તાપણાંનો સહારો લેવા લાગ્યા છે. ગુરૂવારે અનેક વિસ્તારોમાં શીત લહેર પ્રવર્તી રહી હતી.
દિલ્હીના પુસા વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી ઠંડી સવાર હતી. અહીં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આયા નગરમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 4.4, નરેલામાં 4.7, પાલમમાં 6 અને રિજમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગૌતમ બુદ્ધ નગરમાં લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ગુરુગ્રામમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં શુક્રવાર અને શનિવારે મધ્યથી ગાઢ ધુમ્મસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.