December 23, 2024

દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમાં પંડાલ ધરાશાયી, 8 લોકો ઈજાગ્રસ્ત

દિલ્હી: દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સ્ટેડિયમના ગેટ નંબર 2ના એન્ટ્રી ગેટ પર એક પંડાલ ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. પંડાલમાંથી કાટમાળ હટાવવા માટે ક્રેન પણ બોલાવવામાં આવી છે.

દુર્ઘટનાની પુષ્ટિ કરતા ડીસીપીએ કહ્યું કે, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસેના લૉનમાં કામ ચાલી રહ્યું હતું, જેનો એક ભાગ શનિવારે બપોરે ધરાશાયી થયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમને ફોન પર JLN સ્ટેડિયમમાં કામચલાઉ સ્ટ્રક્ચર ધરાશાયી થવાની માહિતી મળી હતી. ઘટના સ્થળેથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ અકસ્માતના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે જેએલએન સ્ટેડિયમમાં ગાર્ડ તરીકે કામ કરે છે. ત્યાં પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન, કેટલાક મજૂરો ત્યાં ભોજન કરી રહ્યા હતા, અચાનક પંડાલ તૂટી પડ્યો અને તે બધા તેની નીચે દટાઈ ગયા.