January 18, 2025

Delhi Heavy Rain: લ્યુટિયન્સ દિલ્હી થયું જળમગ્ન, અનેક સાંસદોના ઘરમાં પાણી ભરાયા

Delhi Heavy Rain: દિલ્હી NCRમાં અચાનક વરસેલા ભારે વરસાદથી હાલ તો રાહત મળી છે પરંતુ બીજી બાજુ રસ્તાઓથી લઈને ઘરોમાં પાણી ભરાઈ જવાથી હવે VVIP લોકોની પણ ચિંતા વધી ગઈ છે. લ્યુટિયન્સ દિલ્હીમાં સાંસદો અને મંત્રીઓના બંગલાઓમાં પણ પાણી ભરાયા છે. અનેક સ્થળોએ આખી આખી રાત વીજળી ડૂલ રહી અને લોકોએ અંધારામાં રાત કાઢવી પડી હતી. સવારે જ્યારે નેતાઓ સંસદ સત્રમાં જવા માટે ઘરેથી નીકળ્યા તો સ્થિતિને પહોંચી વળવાની જહેમત કરતાં જોવા મળ્યા. દિલ્હીના જળ મંત્રી આતિષીથી લઈને સપા સાંસદ રામગોપાલ યાદવ, પ્રોટેમ સ્પીકર રહી ચૂકેલા ભર્તુહરિ મહતાબ, કોંગ્રેસ સાંસદ તારિક અનવર અને નીતિ આયોગના સબહુ વિનોદ કુમાર પૉલના બંગલામાં પણ પાણી ભરાઈ ગયા હતા.

લ્યુટિયન્સ દિલ્હીને VVIP વિસ્તાર માનવામાં આવે છે. અહીં વરસાદ બાદ ઘરોમાં પાણી ભરાવાને કારણે નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના કામોની પોલ ખૂલી ગઈ છે. માત્ર NDMC જ આ વિસ્તારની જાળવણી કરે છે. વરસાદ પહેલા પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે કામ કરે છે. વરસાદ બાદ VVIP ઘરોની હાલત પરથી અંદાજ લગાવી શકાય છે કે સામાન્ય લોકોના ઘરોની શું હાલત હશે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ નથી.

તો બીજી બાજુ, રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ઠપ્પ થયા બાદ દિલ્હી સરકાર એલર્ટ થઈ ગઈ છે. દિલ્હી સરકારે શુક્રવારે બપોરે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. સચિવાલયમાં થનાર બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ અને ટોચના અધિકારીઓ હાજર રહેશે. વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડતાં એકનું મોત થઈ ગયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. સફદરજંગ હવામાન કેન્દ્ર દ્વારા 153.7 મિમી વરસાદ નોંધ્યો છે. સવારે લગભગ 3 વાગે શરૂ થયેલ વરસાદ 9 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી વરસતો રહ્યો. દિલ્હીવાસીઓએ જળમગ્ન રસ્તાઓ પર જળમગ્ન વાહનો અને લાંબા ટ્રાફિકના ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયામાં શેર પણ કર્યા છે.

શશી થરૂરના બંગલામાં ભરાયું પાણી, કહ્યું: બધુ જ બરબાદ થઈ ગયું
લ્યુટિયન્સ દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના બંગલામાં પણ પાણી ભરાઈ ગયું હતું. થરૂરે X પર ટ્વિટ કરતાં લખ્યું, લ્યુટિયન્સ દિલ્હીમાં મારા ઘરની બહારનો આ ખૂણો છે. હું સવારે જાગ્યો ત્યારે મારું આખું ઘર અને રૂમ એક ફૂટ પાણીમાં ડૂબી ગયા હતા. કાર્પેટ અને ફર્નિચર, જમીન પરની દરેક વસ્તુ બરબાદ થઈ ગઈ હતી. સ્વાભાવિક છે કે આસપાસમાં વરસાદી પાણીની ગટર બ્લોક થઈ ગઈ છે, જેથી પાણીના નિકાલની કોઈ જગ્યા નથી. વીજ કરંટના ડરથી લોકોએ સવારે 6 વાગ્યાથી જ લાઇટ બંધ કરી દીધી હતી. મારા સંસદીય સાથીદારોને જાણ કરી કે હું બોટ વિના ત્યાં પહોંચી શકતો નથી. પરંતુ શહેરમાં રસ્તાઓ પરથી પાણી કાઢવામાં વ્યવસ્થા થઈ અને હું સમયસર પહોંચી ગયો. થરૂર કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ છે.

ભાજપ સાંસદે લખ્યું: 11 વાગ્યે વીજળી ગઈ, સવારે 9 વાગ્યે પાછી આવી
ઓડિશાના ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબે કહ્યું, મારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. જ્યારે મેં તેને કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે મોટર પણ ખરાબ ગઈ. આ સ્થિતિ માત્ર મારા બંગલામાં જ નહીં પરંતુ આસપાસના તમામ બંગલામાં જોવા મળી રહી છે. મારા ઘરમાં પાણી ઘૂસી ગયા. ઓફિસમાં પાણી ઘૂસી ગયા. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. સરકાર કોઈની હોઈ શકે છે. દિલ્હી અને સમગ્ર દેશમાં વરસાદની જરૂર છે. વરસાદી પાણીનો ઉકેલ પણ જરૂરી છે. આખી રાત મારા ઘરમાં વીજળી નહોતી. ગુરુવારે રાત્રે 11 વાગે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને શુક્રવારે સવારે 9 વાગે વીજ પુરવઠો આવ્યો હતો.