December 4, 2024

અરવિંદ કેજરીવાલ સામે દારૂ કૌભાંડનો કેસ ચાલુ રહેશે, હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઈન્કાર

Delhi Excise Policy Case: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ચાર્જશીટની નોંધ લેવાના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કેજરીવાલે કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં ચાર્જશીટને સંજ્ઞાન લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ ગુરુવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ સામેના કેસની કાર્યવાહી પર હાલ પૂરતો રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કેજરીવાલની અરજી પર કોર્ટે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની સુનાવણી 20 ડિસેમ્બરે થશે.

અરવિંદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે વિશેષ અદાલતે તેમની કાર્યવાહી માટે કોઈ મંજૂરીની ગેરહાજરીમાં ચાર્જશીટની નોંધ લીધી હતી. કારણ કે, કથિત ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે લોક સેવક હતા. ED તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તે એફિડેવિટ ફાઇલ કરશે.

શરૂઆતમાં, જ્યારે હાઈકોર્ટે આગામી વર્ષ માટે સુનાવણી નક્કી કરી, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીપ્રધાને સુનાવણીની વહેલી તારીખની માંગ કરી. તેમના વકીલે તરત જ કાર્યવાહી પર રોક લગાવવાની તેમની અરજી પર આદેશ પસાર કરવાનો આગ્રહ કર્યો. આવા અભિગમને અયોગ્ય ગણાવીને EDના વકીલે સ્ટે અરજીનો જવાબ દાખલ કરવાની માંગ કરી હતી.

12 નવેમ્બરે હાઈકોર્ટે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય અરજી પર ઈડી પાસેથી જવાબ માંગ્યો હતો. કેજરીવાલે મની લોન્ડરિંગ કેસમાં એજન્સીની ફરિયાદ પર તેમને જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. હાઈકોર્ટે ફોજદારી કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર હાલ પૂરતો સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.