January 23, 2025

CM કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી માટે લવાયા, ધરપકડ સામે AAPનો વિરોધ

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલના સીબીઆઈ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. અગાઉ 21 માર્ચે, કેજરીવાલની ED દ્વારા કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

26 જૂને સીબીઆઈએ કોર્ટને કેજરીવાલને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સીએમ કેજરીવાલને ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, 20 જૂનના રોજ, ટ્રાયલ કોર્ટે કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા. જે બાદ EDએ નીચલી કોર્ટના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મુક્યો હતો.

CBIએ કોર્ટમાં કહ્યું- લોકો કોરોનાને કારણે મરી રહ્યા હતા, તેઓ કૌભાંડનું કાવતરું ઘડી રહ્યા હતા
સીબીઆઈએ કોર્ટને કહ્યું કે જ્યારે દિલ્હીમાં કોરોના રોગચાળો ચરમસીમા પર હતો અને લોકો મરી રહ્યા હતા ત્યારે સાઉથ લોબીના સભ્યો દિલ્હીમાં લિકર પોલિસી તૈયાર કરવા આવ્યા હતા. તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર જ બોલાવવામાં આવ્યા હતા.

રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ અમિતાભ રાવતની કોર્ટમાં કેજરીવાલની રિમાન્ડ માંગણી પર સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કહ્યું કે દિલ્હીમાં મૃત્યુ થઈ રહ્યા છે. તેણે એક રિપોર્ટ તૈયાર કરીને અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર મારફત મનીષ સિસોદિયાને મોકલવામાં આવ્યો હતો. આ અંગે ચર્ચા કરવા માટે કોઈ બેઠક બોલાવવામાં આવી નથી.

કેજરીવાલની ધરપકડ સામે AAPનો વિરોધ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે. CBI દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.