November 14, 2024

દિલ્હીમાં ફરી બોમ્બની ધમકીઃ એમ્બિયન્સ, ચાણક્ય સહિત અનેક શોપિંગ મોલને મળ્યો મેલ

Delhi Bomb Threat: દિલ્હી પોલીસે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ શોપિંગ મોલમાં મંગળવારે બોમ્બની ધમકીનો મેલ મળ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ચાણક્ય મોલ, સિલેક્ટ સિટીવોક, એમ્બિયન્સ મોલ, ડીએલએફ, સિને પોલીસ, પેસિફિક મોલ, પ્રાઇમસ હોસ્પિટલ અને યુનિટી ગ્રૂપને ધમકીનો મેલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘થોડા કલાકોમાં બોમ્બ વિસ્ફોટ થશે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે મેલ તેમના ધ્યાન પર આવતા જ મોલના અધિકારીઓએ દિલ્હી પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કોઈ બોમ્બ મળ્યો નથી.

12 મેના રોજ કોર્ટ ગ્રુપ નામના આરોપીઓએ આ જ રીતે દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોને ઈમેલ કરીને ધમકી આપી હતી. આ પહેલા દિલ્હી એનસીઆરમાં 200થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કેસની તપાસ હજુ ચાલુ હતી. હવે મંગળવારે ફરી આવી જ ધમકી આપવામાં આવી છે.