“કામ નહીં કરી શકે તો કેવા CM?”, ભાજપે કરી કેજરીવાલના રાજીનામાંની માંગ
Arvind Kejriwal Bail Granted: આજે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે. જેને લઈને દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમની ધરપકડ કાયદેસર છે, તેમના પર લાગેલા આરોપો માન્ય છે. કેજરીવાલને શરતી જામીન મળવા એ કોઈ મોટી વાત નથી.
તેમણે વધુમાં કહ્યું કે કેસ ચાલતો રહેશે અને તેને ટૂંક સમયમાં લાંબી સજા સંભળાવવામાં આવશે. કેજરીવાલ યાદ રાખે હવે તેઓ જયલલિતા, લાલુ યાદવ, મધુ કોડા જેવા મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે અને તેઓને પણ જામીન મળી ગયા હતા અને તેઓને ટૂંક સમયમાં જ સજા થઈને ફરી જેલમાં જશે. જે શરતોને આધીન અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે તેના કારણે કેજરીવાલને ભલે જામીન મળી ગયા હોય, પરંતુ તેમને હવે મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તેઓ મુખ્યમંત્રી તરીકેના કામ નથી કરી શકવાના તો તેઓ કેવા મુખ્યમંત્રી? જો તેઓ પ્રામાણિક હોય તો આ શરત કેમ? રાજીનામું આપી દે?
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે કટ્ટર બેઈમાન AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ફરીથી અરીસો બતાવ્યો છે. જે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેમાં ભ્રષ્ટાચારી અરવિંદ કેજરીવાલને શરતી જામીન મળ્યા છે. જેલ વાળા સીએમ હવે બેલ વાળા સીએમ બની ગયા છે. હવે અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ અરવિંદ કેજરીવાલ આમ નહીં કરે કારણ કે તેમનામાં કોઈ નૈતિકતા બાકી નથી.. હવે એમ કહેવું ખોટું નહીં હોય કે સીએમ પર ભ્રષ્ટાચારનો આરોપ છે. હવે તે આરોપીની શ્રેણીમાં છે.