દેશનું સૌથી પ્રદુષિત શહેર બન્યું દિલ્હી, શ્વાસ લેવાથી પણ મળશે બીમારી; AQI ખતરનાક સ્તર પર
Delhi: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દિલ્હીના હવા ગુણવત્તા સૂચકાંકમાં સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ જોખમી શ્રેણીમાં છે. શુક્રવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 369 હતો. સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર જહાંગીરપુરી છે. અહીં હવા ગુણવત્તા સૂચકાંક 424 નોંધાયો હતો. આ સિવાય આનંદ વિહાર, નેહરુ નગર, બવાના, મુંડકા, શાદીપુરનો AQI 400 થી ઉપર રહ્યો હતો. વાયુ પ્રદૂષણની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શહેરનો હરિયાળો વિસ્તાર વધારવાની સૂચના આપી છે.
રેસ્પિર લિવિંગ સાયન્સના હવાની ગુણવત્તા વિશ્લેષણ રિપોર્ટમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીનું સરેરાશ PM 2.5 સ્તર 243.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું. તેમજ દર અઠવાડિયે પ્રદૂષણમાં 19.5 ટકાનો વધારો થયો હતો. રેસ્પિર લિવિંગ સાયન્સે 3 થી 19 નવેમ્બર દરમિયાન દેશના 281 શહેરોમાં PM 2.5 સ્તરનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં દિલ્હી યાદીમાં 281મા ક્રમે છે.