February 23, 2025

દિલ્હી: આતિશીએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

Delhi: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકેને મળ્યા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું. ગયા વર્ષે 21 સપ્ટેમ્બરે આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શનિવારે, 8 ફેબ્રુઆરીએ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતીનો આંકડો હાંસલ કર્યો છે. 27 વર્ષ પછી, હવે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70 માંથી 22 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 48 બેઠકો મળી હતી. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પણ સાતમી વિધાનસભા ભંગ કરી દીધી છે. જીત બાદ ભાજપે સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી ટૂંક સમયમાં તેના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવશે અને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવારની પસંદગી કરશે.

આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા, આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત પણ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આતિશીનો કાર્યકાળ ફક્ત સાડા ચાર મહિના જ ચાલ્યો.

આ પણ વાંચો: અંબાજીમાં પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ, CM પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન

ઘણા દિગ્ગજોનો પરાજય થયો
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ત્રણ મંત્રીઓ જીત્યા છે. ગોપાલ રાય, મુકેશ અહલાવત અને ઇમરાન હુસૈને પોતપોતાની બેઠકો જીતી લીધી છે. બીજી બાજુ, ઘણા મોટા નામોએ હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ મંત્રી સતેન્દ્ર જૈન જેવા નામોનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીએ 2015 અને 2020 ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીની બેઠકો 70 માંથી 22 થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.