રક્ષામંત્રી રાજનાથસિંહે લગાવી આસ્થાની ડૂબકી, કહ્યું- ‘મહાકુંભ ખગોળીય ઘટના પર આધારિત ઉત્સવ’

મહાકુંભ 2025: અત્યાર સુધી કરોડો લોકો યુપીના પ્રયાગરાજમાં શ્રદ્ધાથી ડૂબકી મારી ચૂક્યા છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે ભગવાને મને મહાકુંભમાં આવવાની તક આપી. રક્ષામંત્રીએ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને કહ્યું કે- ‘મહાકુંભ એ ભારતીય સંસ્કૃતિનો મહાન તહેવાર છે’.

રક્ષામંત્રીએ કહ્યું, “આ વિશેષ મહાકુંભમાં આવીને અને સંગમમાં સ્નાન કરીને હું કૃતજ્ઞતા અનુભવું છું. હું માનું છું કે આ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના આધ્યાત્મિક અનુભવનો તહેવાર છે. મહાકુંભએ ખગોળીય ઘટનાઓ પર આધારિત તહેવાર છે. મહાકુંભમાં તમામ જાતિઓ અને સંપ્રદાયો અને ઘણા દેશોમાંથી પણ લોકો ભાગ લે છે. જે એકતાની ભાવના સાથે આવે છે.”

રાજનાથસિંહે કહ્યું કે, મહાકુંભ ગંગા, યમુના અને સરસ્વતીની સાથે આધ્યાત્મિકતા, વૈજ્ઞાનિકતા તેમજ સનાતન ધર્મની સામાજિક સમરસતાનો સંગમ છે.

યોગી આદિત્યનાથ અભિનંદનને પાત્ર છે
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મેળાવડાનું સંપૂર્ણ નિષ્ઠા સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અસરકારક રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. CM યોગી આદિત્યનાથ આ માટે અભિનંદનને પાત્ર છે. તેમણે કહ્યું કે વહીવટી દૃષ્ટિકોણથી પણ આ પ્રસંગ ઐતિહાસિક સિદ્ધિઓથી ભરપૂર છે, કારણ કે હું પણ આ રાજ્યનો મુખ્યમંત્રી રહી ચૂક્યો છું.