January 10, 2025

અગરતલામાં બાંગ્લાદેશ હાઈ કમિશન પર હુમલો! વિદેશ મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા

Bangladesh Assistant High Commission: અગરતલામાં બાંગ્લાદેશ હાઈ કમિશન પર હુમલા મામલે વિદેશ મંત્રાલયે કહ્યું, અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશનના પરિસરમાં ઘૂસણખોરી ‘અત્યંત અફસોસજનક’ છે. આ ઘટના ત્યારે બની જ્યારે ત્રિપુરાની રાજધાની અગરતલામાં એક વિશાળ રેલીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. રેલીનો હેતુ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ કરવાનો હતો. આ સાથે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા હુમલા રોકવાની માંગ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયનું નિવેદન
વિદેશ મંત્રાલયે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, “કોઈપણ સંજોગોમાં રાજદ્વારી અને કોન્સ્યુલર પ્રોપર્ટીને નિશાન બનાવવી જોઈએ નહીં.” મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બાંગ્લાદેશ હાઈ કમિશન અને તેના ડેપ્યુટી/આસિસ્ટન્ટ હાઈ કમિશનની સુરક્ષા વ્યવસ્થાને વધારવા માટે પગલાં લઈ રહી છે.

નોંધનીય છે કે આ રેલી હિન્દુ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ યોજવામાં આવી હતી, જે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો એક ભાગ છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ત્રિપુરાના VHP સેક્રેટરી શંકર રોયે કહ્યું, “શેખ હસીના સરકારના પતન બાદથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરો પર હુમલા થઈ રહ્યા છે અને હિન્દુ વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે.”

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડનો વિરોધ
શંકર રોયે કહ્યું કે તાજેતરમાં જ ઇસ્કોનના ચિન્મય પ્રભુએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમને ખોટા આરોપમાં ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે માંગ કરી હતી કે સરકારે બાંગ્લાદેશ સરકારને ચિન્મય દાસની નિર્દોષતા સાબિત કરવા અને હિંદુઓ પરના હુમલાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરવી જોઈએ.