July 1, 2024

CM યોગીનો ડીપફેક વીડિયો, સાયબર પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધાઈ

લખનૌ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડીપફેક વીડિયો પ્રકરણમાં લખનૌના સાઈબર પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધાઈ છે. ડીપફેક વીડિયોમાં સીએમ યોગીના ચહેરાનો ઉપયોગ કરી એક દવા ખરીદવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ફેસબૂક હેડક્વાર્ટર પાસે જાણકારી માંગી છે. મહત્વનું છે કે, AIની મદદથી સાઈબર ગુનેગારોએ ડીપફેક વીડિયો બનાવીને સીએમ પાસેથી ડાયાબિટીસની દવાનો પ્રચાર કર્યું છે. આ ઉપરાંત એક અન્ય વીડિયોમાં સીએમ યોગી આદિત્યનાથ પાસેથી એક અન્ય દવા ખરીદવાની અપીલ કરાવવામાં આવી છે.

બે ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ફેસબુક પાસેથી એ બંન્ને એકાઉન્ટની જાણકારી માંગવામાં આવી છે. મહત્વનું છેકે, વીડિયોમાં AIના માધ્યમથી જે ઓડિયો નાખવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છેકે, આ દવા ભારતના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. જે પણ વ્યક્તિ આ વેબસાઈટ પરથી દવા ખરીદશે. તેમને ભગવાનનું સમ્માન પ્રાપ્ત થશે. મહત્વનું છેકે, લોકોને ભ્રમિત કરવા માટે સીએમના ચહેરાનો ઉપયોગ કરીને વીડિયો બનાવવામાં આવ્યો છે.

નોંધનીય છેકે, આ પહેલા પણ ઘણી હસ્તિઓના ડીપફેક વીડિયો સામે આવી ચૂક્યા છે. સૌથી પહેલા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. જે મામલો સૌથી વધારે પ્રચલિત થયો હતો. એ બાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. તે બાદ સારા તેંદુલકર અને શુભમન ગિલનો પણ એક ડીપફેક વીડિયો સામે આવ્યો છે.