January 22, 2025

અફઘાનિસ્તાનમાં જ્યાં જુઓ ત્યાં મોત જ મોત, અચાનક આવેલા પૂરે મચાવી તબાહી

કાબુલઃ અફઘાનિસ્તાનમાં અચાનક પૂરના કારણે તબાહી મચી ગઈ છે. સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘરો નાશ પામ્યા. શુક્રવારે અચાનક આવેલા પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે. શુક્રવારે ભારે વરસાદના કારણે ગામડાઓ અને ખેતીની જમીનોમાં પાણી ભરાઈ જતાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૂટેજમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ છે. બાળકો રડી રહ્યા છે અને લોકોનું એક જૂથ તેમના ઘરોને પૂરથી બરબાદ થતા જોઈ રહ્યું છે. એરિયલ તસવીરો દર્શાવે છે કે ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માત્ર તેમની છત જ દેખાય છે.

સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે 1,000 થી વધુ ઘરો નાશ પામ્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું કે તે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં આવેલા પૂરના પીડિતોને ખાદ્ય પદાર્થોનું વિતરણ કરી રહ્યું છે. મોટાભાગના પીડિતો ઉત્તરીય પ્રાંત બગલાનના છે. જ્યાં શુક્રવારે પૂર આવ્યું હતું.

પડોશી તખાર પ્રાંતમાં રાજ્યની માલિકીના મીડિયા આઉટલેટ્સે પૂરને કારણે ઓછામાં ઓછા 20 લોકોના મોતની જાણ કરી હતી. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આ વિનાશક પૂરમાં સેંકડો લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.’

તાલિબાન લોકોને બચાવવામાં વ્યસ્ત છે
મુજાહિદે બદખ્શાન, બગલાન, ઘોર અને હેરાત પ્રાંતને સૌથી વધુ અસરગ્રસ્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ‘વ્યાપક વિનાશ’ના પરિણામે ‘નોંધપાત્ર નાણાકીય નુકસાન’ થયું છે. તેમણે કહ્યું કે સરકારે લોકોને બચાવવા, ઘાયલોને સારવાર માટે લઈ જવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનો એકત્ર કરવાનો આદેશ આપ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની વાયુસેનાએ બગલાનમાં પહેલાથી જ સ્થળાંતર શરૂ કરી દીધું છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવ્યા છે અને 100 ઘાયલ લોકોને આ વિસ્તારની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દેશોમાં પણ તબાહી જોવા મળી
અફઘાનિસ્તાનમાં ખેતીની જમીન નાશ પામી છે. સમાન વિનાશ બ્રાઝિલમાં પણ જોવા મળ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે ગ્રાન્ડે દો સુલમાં ઐતિહાસિક પૂર આવ્યું હતું. આનાથી મૃત્યુઆંક 126 પર પહોંચી ગયો છે. બ્રાઝિલના દક્ષિણના રાજ્યમાં તોફાન અને પૂરના કારણે 34,000 લોકોનું સ્થળાંતર થયું છે. 141 લોકો ગુમ છે. બ્રાઝિલની તસવીરોમાં જોવા મળેલા વિનાશક પૂરના કારણે ફૂટબોલ સ્ટેડિયમ અને એરપોર્ટ ડૂબી ગયા હતા. ગયા મહિને આવેલા પૂરને કારણે દુબઈને પણ $1 બિલિયનનું નુકસાન થયું હતું.