January 22, 2025

પુત્રવધુએ ભોજનમાં આપ્યું ઝેર, દિયરનું મોત તો સસરાની હાલત ગંભીર

ભાવેશ ભોજક, પાટણ: પાટણ જિલ્લાના શંખેશ્વરમાંથી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. પુત્ર વધુએ ભોજનમાં ઝેર આપી દેતા દિયરનું મોત થયું છે તો સસરાની હાલત ગંભીર છે. તમને જણાવી દઇએ કે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે ૧૨ વર્ષથી રીસામણે બેઠેલી પુત્રવધુને સામાજિક રીતે સમાધાન કરી બોલાવી લાવ્યા બાદ સાસરીયાઓનો કાંટો કાઢી નાખવાના ઈરાદે દાળમાં ઝેર નાખ્યુ હતું . આ ઝેરી દાળ પ્રથમ સસરા અને દિયરે જમતા બંને બેભાન બની ઢળી પડયા હતા . જેમાં દિયર મહાદેવગીરી ગોસ્વામીનું મોત નિપજ્યુ હતું . જ્યારે સસરા ઇશ્વરગીરી હાલ પાટણની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયા છે. સદનસીબે પતિ સહિત પરીવારના અન્ય સભ્યો જમવા નહીં બેસતા તેમનો બચાવ થયો હતો. બનાવ અંગે શંખેશ્વર પોલીસ મથકે ભોલાગિરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગૌસ્વામીએ ભાભી જયાબેન ગૌસ્વામી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે રહેતા અશોકગીરી ગૌસ્વામીના લગ્ન સમાજના રીત – રિવાજ મુજબ રાધનપુર તાલુકાના ગોતરકા ગામે રહેતા જયાબેન ગૌસ્વામી સાથે થયા હતા . જયારે સાટાપેટે અશોકની બહેન હેતલના લગ્ન ગોતરકા ખાતે જયાબેનના ભાઈ સાથે થયા હતા. આટાસાટામાં થયેલ આ લગ્ન સંબંધોમાં અશોક અને જયાને એક પુત્ર સુમિત પણ જન્મ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બંને પતિ – પત્નીના લગ્ન જીવનમાં અણબનાવ થતા છેલ્લા ૧૨ વર્ષથી જયા પુત્ર સુમિતને લઈ પિયર ગોતરકા જતી રહી હતી અને રિસામણે બેઠી હતી . જેની અસર હેતલના લગ્નજીવન ઉપર પણ પડી હતી . જોકે, ચાર દિવસ અગાઉ સમાજના આગેવાનોએ ભેગા મળી સમાધાન કર્યું હતું અને જયાબેનની ઇચ્છા ન હોવા છતાં તેણીને ધનોરા બોલાવી લાવ્યા હતા. મંગળવારની જયાબેને જમવામાં દાળભાત બનાવ્યા હતા અને ઘરના પરીવારોને જમવા બોલાવ્યા હતા જેમાં પ્રથમ સસરા ઈશ્વરગીરી અને દિયર મહાદેવગીરી જમ્યા હતા . જમતાની સાથે આ બંને ઉલ્ટીઓ સાથે ચકકર આવતા ઢળી પડયા હતા . જેઓને સારવાર અર્થે ખસેડતા દિયર મહાદેવગીરીનું મોત નિપજ્યુ હતું જયારે સસરા ઈશ્વરગીરી હાલ પાટણની ખાનગી હોસ્પિટલમાં જીવન – મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયા છે.

આ પણ જુઓ : સુરત: કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત

બનાવ અંગે ભાવેશગીરીના જણાવ્યા મુજબ તેની ભાભી જયા જ્યારે ભોજન બનાવતી હતી. ત્યારે રસોડામાં બે અલગ અલગ વાસણમાં દાળ બનાવી રહી હતી . જેથી તેણે પૂછ્યું પણ હતું કે , ભાભી કેમ અલગ અલગ તપેલીમાં દાળ બનાવો છો ? જેથી તેણે કહેલું કે તેનો પુત્ર તીખું નથી ખાતો તેના માટે મોળી દાળ બનાવું છું . જોકે આ દાળ – ભાત ખાતા જ એનો ભાઈ મહાદેવગીરી ઢળી પડ્યો હતો . જ્યારે એના પિતા ઈશ્વરગીરીની હાલત નાજુક છે . આ ઘટનામાં પરિવારજોના જણાવ્યા મુજબ મંગળવારે જ્યારે જયાએ જમવામાં ઝેર ભેળવ્યું ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ આ ભોજન આરોગવાના હતા . જયાના પતિ અશોકગીરી ખેતરમાં કામ કરીને આવ્યા હોવાથી થાકના હિસાબે તેમણે ભોજન આરોગ્યું નહોતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો ભોજન આરોગે એ પહેલાં મહાદેવગીરી અને ઈશ્વરગીરીને ચક્કર આવતા અન્ય સભ્યો જમ્યા નહોતા . આ ઘટનામાં જો પરિવાર સાથે જમ્યો હોત તો કદાચ આનાથી પણ વધુ કરૂણતા સર્જાઇ હોત.

આ અંગે ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભોલાગીરી ઈશ્વરગીરીએ શંખેશ્વર પોલીસ સ્ટેશન ફરીયાદ આપી છે. તે અનુસાર તેમના ભાભી જયાબેન અશોકગીરી ગોસ્વામીએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા માટે એમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધી હતું અને તે ભોજન તેમના ભાઈ મહાદેવગીરી અને એમના પિતા ઈશ્વરગીરીને ખાતા મહાદેવગીરીનું મોત થયું હતું અને ઈશ્વરગીરીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા . જે હાલ સારવાર હેઠળ છે. આ અંગે આરોપી જયા ગૌસ્વામી વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે , જેની તપાસ પી.આઈ પ્રભાતસિંહ જે સોલંકી ચલાવી રહ્યા છે .