January 15, 2025

Covishield લીધા બાદ દીકરીનું થયું મોત, સીરમ વિરૂદ્ધ કોર્ટમાં પહોંચ્યા માતા-પિતા

કોવિશિલ્ડ એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી હતી.

AstraZenecaની આડઅસરોનો મુદ્દો હાલમાં ખુબ ચર્ચામાં છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે હવે એક પરિવારે તેમની પુત્રીના મૃત્યુને લઈને કોર્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એટલે કે SIIનો સંપર્ક કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધાના થોડા દિવસો બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં AstraZenecaએ સ્વીકાર્યું છે કે તેમની રસીના કારણએ દુર્લભ સાઇડ ઈફેક્ટ્સ થઇ શકે છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, જ્યારે 2021માં કોરોના વાયરસ આવ્યો ત્યારે 18 વર્ષની રિતાકા શ્રી ઓમત્રીએ મે મહિનામાં કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હતો. જોકે સાત દિવસમાં તેને તાવ આવ્યો અને ચાલવામાં તકલીફ થવા લાગી. રિપોર્ટ અનુસાર એમઆરઆઈ સ્કેન દર્શાવે છે કે તેના મગજમાં બહુવિધ બ્લડ ક્લોટ્સ અને હેમરેજ હતું. જે બાદ મહિલા બે અઠવાડિયામાં મૃત્યુ પામી હતી.

આ પણ વાંચો: ગોલ્ડ લોન લેનારા સાવધાન, RBIએ કરી આ મોટી જાહેરાત

મહિલાના માતા-પિતાને મૃત્યુના વાસ્તવિક કારણની જાણ ન હતી અને તેઓએ આ અંગે આરટીઆઈ દાખલ કરી હતી. ડિસેમ્બર 2021માં દાખલ કરાયેલી એક RTIમાંથી તેઓને જાણવા મળ્યું કે મહિલા ‘થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ’થી પીડિત હતી અને તેનું મૃત્યુ ‘રસીના ઉત્પાદનને લગતી પ્રતિક્રિયાને કારણે’ થયું હતું.

અહેવાલ છે કે આવી જ એક ઘટના જુલાઈ 2021માં બની હતી. તે દરમિયાન વેણુગોપાલ ગોવિંદન નામના વ્યક્તિની પુત્રી કારુણ્યાનું રસી લીધાના એક મહિના બાદ અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સમિતિએ શોધી કાઢ્યું હતું કે મહિલાનું મૃત્યુ રસીના કારણે થયું હોવાના પૂરતા પુરાવા નથી.

ખાસ વાત એ છે કે કોવિશિલ્ડ એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી હતી. તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી હતી અને મોટા પાયે દેશના લોકોને આપવામાં આવી હતી. Oxford-AstraZeneca Covid રસી વિશ્વના ઘણા દેશોમાં ‘Covishield’ અને ‘Vaxzevria’ નામથી લોન્ચ કરવામાં આવી હતી.