ડાંગમાં મહિલાને ડાકણ કહીને બદનામ કરતા આપઘાત, 6 આરોપીની ધરપકડ

ડાંગઃ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ડાંગમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક મહિલાને ડાકણ હોવાનું કહીને બદનામ કરતા તેણે આપઘાત કર્યો છે. ત્યારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 6 આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ડાંગના જામન્યામાળ ગામે મહિલાને ડાકણ કહીને બદનામ કરતા તેણે આપઘાત કર્યો છે. ત્યારે આ મામલે મૃતક મહિલાના પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડાંગના સુબીર તાલુકાનાં જામન્યામાળ ગામે ડાકણવિધિ કરવામાં આવતી હતી. ગામની કુલ 3 મહિલા પર ડાકણવિધિ કરવામાં આવી હતી.

તેને કારણે ત્રણેય મહિલાઓ સમાજ તથા ગામમાં બદનામ થતા એક મહિલાએ કંટાળીને આત્મહત્યા કરી છે. માઠું લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ત્યારે છ વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.

કયા કયા આરોપીઓની ધરપકડ?
ધનજુભાઈ જાનુભાઇ વાઘમારે
પંકજ ઉર્ફે રાજુભાઈ ધનજુભાઈ વાઘમારે
સતિષભાઈ રમણભાઈ વાઘમારે (ત્રણેય રહે. જામન્યામાળ તા.સુબીર જી.ડાંગ)
ગનાભાઇ સુર્યાભાઈ પવાર
જમાબેન ગાનાભાઈ પવાર
સોનીરાવ મોતીરામભાઈ પવાર