ડાંગમાં ઉનાળા પહેલાં પાણીની બૂમરાણ, તંત્રના કર્મે મહિલાઓેને ભોગવવાનો વારો આવ્યો!
શેખર ખેરનાર, ડાંગઃ જિલ્લાના સુબીર તાલુકાના ગ્વ્હાણ ગામમાં ઘણાં વર્ષોથી સ્થાનિકોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે ગામની મહિલાઓ આક્રોશમાં જોવા મળી રહી છે.
સુબીર તાલુકાના ગ્વ્હાણ ગામમાં સ્થાનિકોને ઘણાં વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરમાં નાના બાળકો તથા વૃદ્ધો હોય છે, ત્યારે ઘરની ગૃહિણીઓએ બાળકો તથા વૃદ્ધોને ઘરે એકલા મૂકીને દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હોય છે. પાણી માટે સ્ત્રીઓએ પોતાના નાના બાળકોને રડતા મૂકીને જવું પડતું હોય એવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે.
14મા નાણાપંચ અને 15મા નાણાપંચ હેઠળ ગ્વ્હાણ ગ્રામ પંચાયતના તમામ ગામોમાં બોરની સુવિધા આપવામાં આવી છે, પરંતુ ગ્વ્હાણ ગામમાં જ પાણીની સુવિધા મળી નથી રહી. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં ન આપવામાં આવતું હોવાથી મહિલાઓને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં નહીં આવે તો ગૃહિણીઓ ભૂખ હડતાળ કરશે અને આવનારી લોકસભા 2024ની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.