September 8, 2024

દરિયાથી હજાર મીટર ઊંચું, ગુજરાતનું આ હિલ સ્ટેશન પ્રવાસીઓની પહેલી પસંદ

શેખર ખેરનાર, ડાંગઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે. જંગલ નવપલ્લવિત થયાં છે. ત્યારે પર્યટકો પરિવાર સાથે પર્યટન સ્થળની મુલાકાત માટેના આયોજન કરી રહ્યા છે. ત્યારે આવા પર્યટકો માટે ડાંગ જિલ્લાનું સાપુતારા ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહે છે. ચાલો, જઈએ ગુજરાતના આ અદભૂત પર્યટક સ્થળની મુલાકાતે.

સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1 હજાર મીટર ઉપર વસ્યું છે. સુરત શહેરથી આશરે 95 માઈલના અંતરે છે. સાપુતારા હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે, જ્યાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે.

પ્રવાસી ડૉ. સુનિલ ભાવસાર કહે છે કે, ‘અત્યારે, હું પેરાગ્લાઈડિંગનો આનંદ માણી રહ્યો છું. મેં હવામાં 5 મિનિટથી વધુ સમય પસાર કર્યો છે. મને સારો અનુભવ હતો અને પ્રશિક્ષક પણ સારા હતા.’ તો પેરાગ્લાઇન્ડિંગના ગ્રાઉન્ડ મેનેજર ગિરીશ પટેલ કહે છે કે, ‘સાપુતારા એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે. પેરાગ્લાઈન્ડિંગ એક નવી ઉત્તેજક પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે, જેણે નવી પેઢીમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે.’

સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યૂ ગાર્ડન મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે. રોજની દોડધામભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત અહીં મહારાષ્ટ્ર અને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય.

અન્ય એક પ્રવાસી હિમાન જણાવે છે કે, ‘સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનરાઈઝ-સનસેટ પોઈન્ટ છે, ટેબલટોપ પોઈન્ટ, ઝીપલાઈન, રોપ વે બધુ સરસ છે. અહીંયા અમે અવારનવાર આવીએ છીએ. સમરમાં અને મોન્સૂનમાં વધારે મજા આવે છે. નાઈટમાં પણ જોવાલાયક દ્રશ્ય હોય છે. અહીંનું સ્ટ્રિટફૂડ પણ સારું છે અને લો કોસ્ટમાં છે.’

અન્ય એક પ્રવાસી ગીતાબેન પ્રજાપતિ કહે છે કે, ‘આ બધું જોઈને મને અતિસુંદર લાગ્યું છે. જે અમે પાંચ વર્ષ પહેલાં જોઈ ગયા હતા. તેના કરતાં અત્યારે વધારે સારું લાગ્યું. અહીં ઝાડ, વૃક્ષો, વાતાવરણ સરસ છે. ગરમી જેવું કંઈ લાગતું જ નથી. આપણાને ફરવા ખાવા-પીવાની વ્યવસ્થા અહીંયા મળી છે, તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનો અનુભવ અતિસુંદર રહ્યો છે.’

સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ-વે રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ્ દ્રશ્યો સાથે કેબલકારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે.