December 22, 2024

સાપુતારામાં એડવેન્ચર પાર્ક શરૂ, સ્થાનિક-પ્રવાસીઓમાં ખુશીની લહેર

સાપુતારાઃ ગિરિમથક સાપુતારા ખાતે લાંબા અરસાથી બંધ પડેલી એડવેન્ચર એક્ટિવિટી ફરી ચાલુ થતા સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સાપુતારા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા એડવેન્ચર પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. જો કે, હાલમાં સરકાર દ્વારા નવા નીતિનિયમો બનાવીને એડવેન્ચર પાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે.

સાપુતારામાં આવેલા સહ્યાદ્રિ એડવેન્ચર એક્ટિવિટીને પણ મંજૂરી મળી ગઈ છે. રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ સાપુતારામાં આવેલા સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સુરક્ષાના નિયમો સાથે એડવેન્ચર એક્ટિવિટી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાનાં તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે. આ નિર્ણયથી સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે તેઓ દિવાળીના તહેવારોમાં એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકશે તથા સ્થાનિકોમાં પણ રોજગારીની આશા બંધાઈ છે.

સાપુતારાની ઠંડી હવા અને લીલોતરી વચ્ચે એડવેન્ચર એક્ટિવિટી એક અનોખો અનુભવ બની રહેશે. ગિરિમથક સાપુતારામાં આવતા પ્રવાસીઓને એડવેન્ચર એક્ટિવિટીના સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે કે, તેઓ એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરે. સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી મળવાથી સાપુતારાના પર્યટન ક્ષેત્રને નવી આશા મળી છે. આ નિર્ણયથી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી આપી દીધી છે. જે આવકારદાયક નિર્ણય છે. પરંતુ સાપુતારામાં લાંબા સમયથી બંધ પડેલી બોટિંગ અને રોપવે અંગે પણ નિર્ણયો લઈ સુરક્ષાનાં ધોરણો સાથે વહેલી તકે ચાલુ કરવામાં આવે તો સાપુતારા ખાતે દિવાળીનાં વેકેશનને ચાર ચાંદ લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજય સરકાર આ અંગે સત્વરે નિર્ણય લે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.