July 4, 2024

નાલંદા યુનિવર્સિટીને લઈ ભાવુક થયા દલાઈ લામા, PM મોદીને લખ્યો પત્ર

PM Modi inaugurates Nalanda University: તિબેટીયન ધાર્મિક નેતા દલાઈ લામાએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિહારમાં નવા નાલંદા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ઘાટન પર અભિનંદન આપતા એક પત્ર લખ્યો હતો. પીએમ મોદીએ બુધવારે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીને લખેલા પત્રમાં તિબેટના ધર્મગુરુએ લખ્યું છે કે, “શિક્ષણના કેન્દ્ર તરીકે પ્રાચીન નાલંદા યુનિવર્સિટી પૂર્વમાં સૂર્યની જેમ ચમકતી હતી. નાલંદામાં સખત અભ્યાસ, ચર્ચા અને વાદ-વિવાદ પર આધારિત શિક્ષણ વિકસ્યું. જેણે એશિયાને આકર્ષિત કર્યું. દૂર-દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ માત્ર ફિલસૂફી, વિજ્ઞાન, ગણિત અને ચિકિત્સા વિશે જ નહીં પરંતુ અહિંસા અને કરુણાની વર્ષો જૂની ભારતીય પરંપરાઓ વિશે પણ શીખ્યા જે આજના વિશ્વમાં માત્ર પ્રાસંગિક નથી પણ આવશ્યક પણ છે.

દલાઈ લામાએ વધુમાં લખ્યું છે કે ભારતભરના યુવાનોમાં પ્રાચીન ભારતીય જ્ઞાન અને શાણપણમાં વધી રહેલી રુચિથી હું પ્રોત્સાહિત છું. તે વધુ દયાળુ વિશ્વના નિર્માણમાં ફાળો આપવાની વિશાળ સંભાવના ધરાવે છે. હું પ્રાચીન ભારતીય જ્ઞાનમાં વધુ રસ અને જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છું. તેથી આ ખૂબ જ ઐતિહાસિક સ્થળ પર નવી નાલંદા યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે. તે સમૃદ્ધ થાય.

આ પણ વાંચો: ગુજરાતના 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના કુકરમુંડામાં

વડા પ્રધાન મોદીએ 19 જૂન, બુધવારે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વી આર્લેકર મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા.

નાલંદા યુનિવર્સિટીની સ્થાપના 5મી સદીમાં ગુપ્ત વંશના કુમારગુપ્ત I દ્વારા કરવામાં આવી હતી. પાછળથી તેને કન્નૌજના રાજા હર્ષવર્ધન અને પાલ શાસકો તેમજ ઘણા વિદ્વાનો અને શાસકોનું સમર્થન મળ્યું. ઐતિહાસિક પુરાવા મુજબ આ યુનિવર્સિટીને 12મી સદીમાં આક્રમણકારો દ્વારા નષ્ટ કરવામાં આવી હતી.

પ્રાચીન નાલંદા યુનિવર્સિટી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. અહીંના ખંડેરોમાં હજુ પણ મઠ અને શૈક્ષણિક સંસ્થાઓના પુરાતત્વીય અવશેષો છે. તેમાં સ્તૂપ, મંદિરો, વિહારો (રહેણાંક અને શૈક્ષણિક ઇમારતો), પથ્થર અને ધાતુથી બનેલી મહત્વપૂર્ણ કલાકૃતિઓનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીને તક્ષશિલા પછી વિશ્વની બીજી સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે.