February 13, 2025

દાહોદ પોલીસે ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પરથી રોકડ સહિત ચાંદી ઝડપી, 3ની ધરપકડ

દાહોદઃ જિલ્લા પોલીસે ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે. કુરિયર કંપનીની ગાડીમાંથી સંતાડેલી રોકડ રકમ સહિત ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, દાહોદની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર પોલીસે મોટા પ્રમાણમાં રોકડ સહિત ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપી પાડી છે. પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડ રોકડ રકમ જપ્ત કરી છે.

પોલીસે અલગ અલગ દરની 1.38 કરોડની રોકડ રકમ, 5 લાખની ગાડી મળીને કુલ 2.19 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત બે આરોપીની ધરપકડ કરી છે.

રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ જતી હોવાનો ખુલાસો થયો છે. હવાલા અથવા ચૂંટણી સંબંધે આ મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પોલીસ તપાસમાં જોડાઈ છે.