January 22, 2025

દાહોદમાં જમીનના નકલી NA હુકમ મામલે બિલ્ડર-દલાલ સહિત પાંચની ધરપકડ

દાહોદઃ જિલ્લામાં જમીન નકલી એનએ હુકમ મામલે દાહોદના બિલ્ડર અને જમીન દલાલો કુલ પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

થોડા મહિના અગાઉ દાહોદની એક જમીનમાં જિલ્લા વિકાસ અધિકારીના નામનો જમીનનો નકલી એનએ હુકમ બનાવી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ નકલી હુકમના માસ્ટર માઇન્ડ શૈશવ પરીખ સહિત જમીનમાલિકોની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થતાં જિલ્લામાં 200થી વધુ સરવે નંબરો શંકાસ્પદ મળી આવતા મહેસૂલ વિભાગ અને પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

એકપછી એક એમ કુલ ચાર ફરિયાદ દાખલ કરી ધરપકડ અને તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં સીટી સરવેના બે અધિકારીની પણ સંડોવણી સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક એપીએમસીના ડિરેકટરની પણ ધરપકડ બાદ આજે દાહોદના બિલ્ડર તેમજ જમીન દલાલીના કામ સાથે સંકળાયેલા અઝીઝ પટેલ, મઝહર કાગડી, ગોપાલ સોની, મુસ્તુફા જીરુવાલા અને પવન અગ્રવાલ એમ પાંચ લોકોની ધરપકડ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે પાંચેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.