November 5, 2024

12મી સદીમાં બનેલું બાવકા શિવપંચાયતન મંદિર, ‘ગુજરાતનું ખજૂરાહો’ તરીકે ઓળખાય છે

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો 11મો દિવસ છે અને આપણી શિવાલયયાત્રા પહોંચી ગઈ છે દાહોદમાં. વાત કરવી છે વધુ એક પૌરાણિક શિવાલયની… 12મી સદીનું આ શિવાલય ઘણી ખંડિત અવસ્થામાં છે પણ લોકોની શ્રદ્ધા હજુ અડીખમ છે. આ વાત છે દાહોદથી 10 કિલોમીટર દૂર આવેલા બાવકા શિવપંચાયતન મંદિરની. આવો જાણીએ સમગ્ર ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
આ મંદિરની કોઈ સ્પષ્ટ દંતકથા મળી આવી નથી. પરંતુ આ મંદિર સંવત 1260 પછીના સમયમાં બાંધવામાં આવ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એક દેવદાસીએ એક જ રાતમાં સમગ્ર મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે.

આ મંદિર પૂર્વાભિમુખ છે અને પંચાયતન પ્રકારનું છે. પંચાયતન એટલે એક મુખ્ય મંદિર અને તે જ પરિસરમાં ચાર પેટામંદિર આવેલા હોય છે. આ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની કોતરણી પણ જોવા મળે છે. તેને કારણે ગુજરાતમાં આ મંદિર ‘ગુજરાતના ખજૂરાહો’ તરીકે પ્રસિદ્ધ છે. આ શિવાલય રાષ્ટ્રીય સ્મારક તરીકે આરક્ષિત કરવામાં આવ્યું છે.

રેતાળ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું આ મંદિર હાલ ક્ષીણ અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો આ મંદિરમાં છે. શિખર પર કરવામાં આવેલી કોતરણી મિયાણીના મંદિર જેવી છે. આ મંદિર રાજા ભીમદેવ દ્વિતીયએ બનાવ્યું હોય તેવી માન્યતા છે.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરમાંથી દાહોદ જવા માટે ખાનગી બસ અને સરકારી બસની સેવા ઉપલબ્ધ છે. આ સિવાય રેલ માર્ગે જવા માટે પણ ટ્રેનની સુવિધા છે. ત્યારે દાહોદ પહોંચીને ત્યાંથી 10 કિલોમીટર દૂર હોવાથી રિક્ષા કે ટેક્સી દ્વારા આ મંદિર સુધી પહોંચી શકાય છે. ખાસ કરીને, શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.