November 26, 2024

ગીર સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ, ઉછળ્યાં 10 ફૂટ ઊંચા મોજા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદે આજે સવારથી વિરામ લીધો હતો. બાદમાં, ગીર સોમનાથના દરિયામાં આજે વહેલી સવારથી ભારે કરંટ જોવા મળ્યો હતો. સોમનાથ સહિત મુળ દ્વારકા ધામળેજના દરિયામાં ભારે પવન સાથે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા.

ગીર સોમનાથ આદ્રીથી લઇ કેન્દ્રસાસિત પ્રદેશ દીવ સુધીના દરિયા કિનારે ભારે પવન સાથે 8 થી 10 ફૂંટ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે. અરબી સમુદ્રમાં કરંટ જોવા મળતા માછીમારોને પણ દરિયામાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આજે ભારે પવન સાથે મૂળ દ્વારકા ના દરિયામાં ભારે કરંટ જોવા મળતા કોડીનારના મૂળ દ્વારકા, સુત્રાપાડા બંદર, ધામળેજ બંદર, માઢવાડ અને કોટડા બંદર સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યાં હતા. દરિયો ગાંડોતૂર થતા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને દરિયા કાઠે ન જવા સૂચના અપાઇ છે. બીજી બાજુ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા દરિયામાં ન જવા માટે પ્રતિબંધીત જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

સોમનાથ વેરાવળના દરિયાકાંઠો સામાન્ય રીતે શાંત જોવા મળતો હોય છે. પરંતુ, આજે સવારથી જ દરિયાએ રૌદ્રસ્વરૂપ ધારણ કરેલું છે. દરિયાનું આ સ્વરૂપ જોઈ માછીમારો પોતાની સરસામાન સલામત કરી રહ્યા છે. દરિયાનો રૌદ્રસ્વરૂપમાં નજારો જોતા માછીમારો ચિંતિત બન્યા છે.

દરિયામાં જ્યારે કરંટ હોય છે ત્યારે મોજા 10 થી 15 ફૂટ ઊંચા ઉછળતા જોવા મળે છે. જેને કારણે ખલાસીઓ કે બોટ માલિકો ફિશિંગ કરી શકતા નથી અને સરકારના નિયમ અનુસાર ત્રણ મહિના સુધી તેઓ દરિયામાં જઈ શકતા નથી. ત્યારે સ્થાનિક લોકો કરંટ દરિયામાં આવવાથી પોતાની બોટનું કામ તેમજ જાહેરનું કામ કરી રહ્યા હોય છે. કરંટથી બોટ તેમજ ખલાસીને ભારે નુકસાની વેઠવી પડે છે.