November 21, 2024

પાલનપુરમાં આવાસ યોજનાના કરોડો પાણીમાં ગયા અને લાભાર્થીઓ પણ ઠગાયા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના પાલનપુરમાં રાજીવ આવાસ યોજનામાં સરકારના 63 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. તો, સાથે સાથે પરંતુ નગરપાલિકાએ લાભાર્થીઓને પણ ચૂનો લગાવ્યો છે. કારણ કે 2017માં રાજીવ આવાસ યોજનાને મકાન ફાળવવા માટે લાભાર્થીઓ પાસેથી 7,000 ડિપોઝિટ પેટે લેવામાં આવ્યા હતા. જે લાભાર્થીઓને મકાન પણ નથી મળ્યા અને પૈસા પણ પરત મળ્યા નથી ત્યારે અંદાજીત 100 લાભાર્થી છે જેની 7 લાખ જેટલી રકમ પાલનપુર નગરપાલિકા ચાઉં કરી ગઈ હોવાના આક્ષેપ લાભાર્થીઓ લગાવી રહ્યા છે

પાલનપુર નગરપાલિકાની રાજીવ આવાસ યોજનામાં વધુ એક વિવાદ બહાર આવ્યો છે. નગરપાલિકાએ સદરપુરના ગ્રામ્ય વિસ્તારમાં 2016 માં 1300 રાજીવ આવાસ 63 કરોડના ખર્ચે નિર્માણ કરી નાખ્યાં. જો કે આ લાભાર્થીઓને આ આવાસ ફાળવવાના હતા અને જે તે સમયે તેમની પાસેથી 7,000 ડિપોઝિટ લેવામાં આવી હતી. જેની રસીદ પણ આપવામાં આવી હતી. ત્યારે અનેક એવા લાભાર્થીઓ છે જેમને 7000 રૂપિયા આપ્યા છે. ત્યારે 7,000 એમના માટે હાલ 70 હજાર રૂપિયા ભર્યા છે. ત્યારે છેલ્લા 6 વર્ષથી આ પૈસા નગરપાલિકામાં ડિપોઝિટ પેટે ભર્યા હોવા છત આ નગરપાલિકાએ આજ સુધી ન તો પૈસા પરત આપ્યા છે કે ન તો લાભાર્થીઓને મકાન આપ્યા.

હવે લાભાર્થીઓની માંગ છે કે નગરપાલિકા અમને લેખિતમાં આપે કે તેમણે આવાસ આપવામાં આવશે અથવા તો વ્યાજ સહિત રકમ પરત આપે. જે પ્રકારે રાજીવ આવાસ યોજના શહેરી વિસ્તારમાંથી ગેરકાયદેસર ગ્રામ્ય વિસ્તારમાં બનાવી દેવાઇ અને હવે શહેરી વિસ્તારના લોકોને આ આવાસ ફાળવી શકાતા નથી. એટલે છેલ્લા સાત વર્ષથી વિવાદમાં પડી અને જેને કારણે આવાસ યોજના સામે સવાલ એ થાય છે કે જે તે સમયે 100 જેટલા લાભાર્થીઓ છે જેમને 7,000 ડિપોઝિટ એટલે 70 લાખ રૂપિયા જેટલી રકમ આપી છે અને એ રકમ આજ સુધી આ ગરીબ લાભાર્થીઓ ને પરત મળી નથી ત્યારે લાભાર્થીઓ સાથે પણ પાલનપુર નગરપાલિકાએ છેતરપિંડી કરી હોવાના વિભક્ષ આક્ષેપ લગાવી રહ્યો છે.

પાલનપુર નગરપાલિકાનું એક જ રટણ છે કે જમીનના હેતુફેર માટે ફાઇલ સરકારમાં મૂકી છે અને સરકાર ફાઇલમાં મંજૂરી આપે એટલે આ અધૂરી આવાસ યોજના પૂરી કરી અને લાભાર્થીઓને આપીશું જે લાભાર્થીઓએ સાત વર્ષ પહેલા પૈસા આપ્યા છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે જો કે સવાલ એ થાય છે કે શહેરી વિસ્તારના લાભાર્થીઓ પોતાના નામ સરનામા અને ડોક્યુમેન્ટ બદલી અને કઈ રીતે ગ્રામ્ય વિસ્તારમાં રહી શકશે આનો નગરપાલિકા પાસે કોઈ જવાબ નથી.