December 22, 2024

વડોદરામાં ધોધમાર વરસાદ અને પૂર બાદ શહેરી વિસ્તારોમાં મગરોનો આતંક

Vadodara: ગુજરાતના વડોદરા શહેરમાં 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ વચ્ચે પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. દરમિયાન પૂરના પાણીમાં 24 જેટલા મગર પૂરના પાણીની સાથે રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચ્યા હતા. વન વિભાગના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે રહેણાંક વિસ્તારોમાં મગરોના કારણે લોકો ડરી ગયા છે. અમે મગરોને સુરક્ષિત રીતે નદીમાં પરત લાવવા માટે કામ કરી રહ્યા છીએ. હાલ 24 જેટલા મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

વિશ્વામિત્રી નદીમાં લગભગ 440 મગર
વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, વિશ્વામિત્રી નદીમાં લગભગ 440 મગરો રહે છે, જેમાંથી ઘણા આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે આવેલા પૂર દરમિયાન રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે. રાજપૂતે કહ્યું કે આ ત્રણ દિવસ દરમિયાન, 24 મગર ઉપરાંત અમે 75 અન્ય પ્રાણીઓને પણ બચાવ્યા છે. જેમાં સાપ, કોબ્રા, લગભગ 40 કિલો વજનના પાંચ મોટા કાચબા અને એક શાહુડીનો સમાવેશ થાય છે. વિશ્વામિત્રી નદી પાસે ઘણા રહેણાંક વિસ્તારો આવેલા છે.

આ પણ વાંચો: મહેસાણામાં ફાયર સ્ટેશન પાસે 3 માળથી ઉપર જઈ શકાય તેવી સીડી જ નથી

સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા જણાવ્યું
તેમણે કહ્યું કે અમે જે સૌથી નાનો મગર બચાવ્યો તે બે ફૂટ લાંબો છે, જ્યારે સૌથી મોટો મગર 14 ફૂટ લાંબો છે. તે ગુરુવારે નદી કિનારે આવેલા કામનાથ નગરમાંથી ઝડપાયો હતો. આ અંગે સ્થાનિક રહીશોએ અમને જાણ કરી હતી. આ ઉપરાંત ગુરુવારે બે અન્ય 11-ફૂટ લાંબા મગરોને EME સર્કલ અને MS (Mononmanium Sundaranar) યુનિવર્સિટીના બાયોલોજી વિભાગની નજીકના ખુલ્લા વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

રાજપૂતે કહ્યું કે ભારે વરસાદના આ ત્રણ દિવસ દરમિયાન સામાન્ય માણસ અને મગર વચ્ચેના સંઘર્ષનો એક પણ કેસ નોંધાયો નથી. મગરો સામાન્ય રીતે માણસો પર હુમલો કરતા નથી. નદીમાં તેઓ માછલીઓ અને પ્રાણીઓના અવશેષો ખાઈને જીવિત રહે છે. તેઓ કૂતરા, ડુક્કર અને અન્ય નાના પ્રાણીઓને પણ મારી શકે છે અને ખાઈ શકે છે. આવી જ એક ઘટનાનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં હવે નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી રેસ્ક્યૂ કરી લેવાયેલા મગર અને અન્ય પ્રાણીઓને ટૂંક સમયમાં તેમાં છોડવામાં આવશે.