December 23, 2024

ખ્યાતિ હોસ્પિટલ ડાયરેકટરના ઘરેથી દારૂની બોટલ મળી, પોલીસે આપી માહિતી

મિહિર સોની, અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ બની છે. આ કેસમાં 6 પીઆઈની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરાઇ રહી છે. જેમાં વોન્ટેડ આરોપીના ઘરે સર્ચ કરાઇ રહ્યું છે અને આરોપી પકડવા બે ટીમ રાજ્ય બહાર પહોંચી છે. સાથે જ પકડાયેલ આરોપી ડો. પ્રશાંત વજીરાણીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. નોંધનીય છે કે આ કેસનો વોન્ટેડ આરોપી ખ્યાતિ હોસ્પિટલ ડાયરેકટર કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દાટ દારૂની બોટલ અને પોકર ગેમિંગ મળી આવ્યું છે.

બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા
ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડમાં ત્રણ ડોકટરની ત્રિપુટી દ્વારા પૈસા કમાવવા કેમ્પ દ્વારા આખું કૌભાડ ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા છે. CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેજિંગ ડિરેક્ટર મિલિન્દ પટેલ ની મુખ્ય આરોપી તરીકે સંડોવણી ખુલી છે. તેની સાથે જ ખ્યાતિ હોસ્પિટલના CEO વોન્ટેડ આરોપી ચિરાગ રાજપૂત છે. આ ત્રિપુટી એ અત્યાર સુધી 13 જેટલા અલગ અલગ ગામમાં કેમ્પ કર્યા હોવાની માહિતી મળી છે. જેથી કેમ્પ દ્વારા ઓપરેશન થયેલ દર્દીના નિવેદન લેવામાં આવશે. હાલ ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાંથી કબજે કરેલા તમામ ડોક્યુમેન્ટ અને કેસમાં મેડિકલ ઓફિસરની મદદથી તપાસ કરી રહ્યા છે. ત્યારે આર્થિક કૌભાંડની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ સરકારી CA નિમણૂક કરી છે. તમામ આરોપીઓ અને ખ્યાતિ હોસ્પિટલના બેન્ક એકાઉન્ટ મળી કુલ 15 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

સરકારી અધિકારી સંડોવણી
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરતી જાણવાજોગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. સાથે જ વર્ષ 2022 માં ખ્યાતિ હોસ્પિટલમાં એક દર્દી મોત મામલે એડી દાખલ થઈ હતી જે કેસ ની ફરી રી – ઓપન કરવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2021 માં આરોપીએ હોસ્પિટલ ખરીદીને ત્યાર થી અત્યાર સુધી કેટલા ઓપરેશન કર્યા છે અને હોસ્પિટલમાં મૃત્યુ આંક કેટલો છે જેની તપાસ કરી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ની પ્રાથમિક તપાસમાં હોસ્પિટલ ને PMJAY લાભ લેવા માટે પરવાનગી સરળતાથી મળી જતી હતી. જેથી કોઈ સરકારી અધિકારી સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.