December 23, 2024

SG હાઇવે પર નંબર પ્લેટ વિનાની કાર સાથે સ્ટંટ કરનાર મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

મિહિર સોની, અમદાવાદ:: અમદાવાદમાં આવેલ એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ જાણે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બની ગયો હોય તેમ અવારનવાર આ રોડ પર કાર રેસિંગ અને સ્ટંટના દૃશ્યો સામે આવતા રહે છે ત્યારે ગઈકાલે વધુ એક કાર રેસિંગના વીડીયોએ ટ્રાફિક પોલીસના ચેકિંગના દાવાને પોકળ સાબિત કરી દીધા હતા. એસજી હાઇવે અને વૈષ્ણોદેવી પાસે લગભગ 10 જેટલી કારોના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. જેમાં આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુરઝડપે ચલાવી હતી. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ અમાદવાદ પોલીસે આ નફ્ફટ નબીરાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર રેસિંગના વીડિયોના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.

એસજી હાઇવે રોડ પર દસથી વધુ ગાડીઓ સાથે નીકળેલા નબીરાઓએ રોડ આખો બાનમાં લીધો હતો. બાદમાં આ નબીરાઓએ રીલ બનાવીને વાયરલ કરી હતી. જે મામલે ટ્રાફિક પોલીસ હરકતમાં આવીને ગુનો નોંધીને છ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા એક યુવકે નવી સ્કોર્પીયો કાર ખરીદી હોવાથી તમામ લોકો જશ્ન મનાવવા નીકળ્યા હોવાની કબૂલાત કરી છે.

ટ્રાફિક પોલીસ ની ઘુંટણીએ બેઠેલા નબીરાઓ એસજી હાઈવે, સાણંદ સર્કલ સુધી મોંઘી કારો સાથે વીડિયો બનાવી લોકોના જીવ જોખમમાં મૂકાય તેવુ કૃત્ય કર્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે 6 આરોપી ધરપકડ કરી છ્. આરોપીઓની પૂછપરછ કરતાં સાણંદ સર્કલથી કર્ણાવતી ક્લબ થઈ ઈસ્કોન બ્રિજ તરફ જઈ રહેલા રોડ પર કેટલા નબીરાઓ મોંઘીદાટ ગાડીઓ એક સાથે ચલાવીને વીડિયો બનાવીને સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. જે વીડિયો પોલીસને મળતા એસજી -2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલી તમામ કારના ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

ટ્રાફિક પોલીસે તપાસ કરતા વીડિયો ગત તા.18 તારીખે બપોરે વાયરલ કરાયો હોવાનું સામે આવ્યું હતુ. એટલુ જ નહીં મોંઘીદાટ કારમાં સવાર થઈને બેફામ રીતે કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકાય તેવૃ ક્રૃત્ય કરવાની સાથે નબીરાઓએ અમુક કારમાં નંબર પ્લેટ પણ લગાવી ન હતી. આ મામલે ટ્રાફિક પોલીસે તપાસ કરીને વીડિયોમાં દેખાઈ રહેલા છ વ્યક્તિઓને પકડી કાર જપ્ત કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ફરાર આરોપી મનીષ ગૌસ્વામીએ કાર ખરીદી હતી. જે નવી સ્કોર્પીયો કાર લેવા માટે તમામ લોકો વસ્ત્રાલ ગયા હતા. જ્યાંથી કાર લઈને એસજી હાઈવે, સાણંદ સર્કલ સુધી ગયા હતા અને ત્યાં વીડિયો બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે ફરાર આરોપી મનીષ ગૌસ્વામીની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પોલીસે તપાસ કરતા એક ગાડી રામોલ પોલીસસ્ટેશનમાં કોઇ ગુનામાં પોલીસે કબજે લીધી હોવાથી તે બાબતે પણ તપાસ તેજ કરાઇ છે.

આ છ નબીરાઓ ઝડપાયા

1. મેક્ષ કલ્પેશ પટેલ (ઉ.19 – રહે. શ્લોક એલેન્જા)
2. પ્રિતમ સેમરીયા (ઉ.26 – રહે. કડી)
3. ગોવિંદસીંગ ચૌહાણ – રેતી કપચીનો વેપારી (ઉ.30, રહે. કર્મભુમિ સોસાયટી, રામોલ)
4. મીતેષગીરી ગૌસ્વામી – લેબર કોન્ટ્રાક્ટર (ઉ.27, રહે. ગોતા)
5. આશીષ પ્રજાપતિ – ડ્રાઇવીંગ – (ઉ.26 રાણીપ)
6. ઇશ્વર રાઠોડ – વેપાર – (ઉ.22, રહે. વસ્ત્રાલ)