News 360
Breaking News

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે CMની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025’ યોજાઈ

ગાંધીનગર: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025’ યોજાઈ હતી. આ પ્રસંગે CMએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી હંમેશા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રાધાન્ય આપી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પણ નિયમ મુજબ નિયત સમયમાં બાંધકામના પ્લાન મંજૂર કરવા તૈયાર છે. ક્રેડાઈની કલ્પના મુજબ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સહયોગ કરવા તત્પર છે. ક્રેડાઈ તેની નવીન નેશનલ કમિટીમાં ભારતના દરેક ભાગમાંથી એક-એક હોદેદારને જવાબદારી આપીને PMની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પના સાકાર કરી રહ્યું છે.

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ક્રેડાઈની ‘ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025’ યોજાઈ હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલંવતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ ક્રેડાઈ નેશનલના નવીન પ્રમુખ સહિત સમગ્ર ટીમને વોઈસ મેસેજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. વધુમાં CM જણાવ્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી PM નરેન્દ્ર મોદી અને કર્મઠ ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ચેન્જ ઓફ ગાર્ડથી કેટલા સ્કેલ અને કેટલી સ્પીડનો વિકાસ થઈ શકે તે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ક્રેડાઈનો આજનો અવસર ‘ધ બિગ શિફ્ટ – ફોર ધ લીડર્સ, બાય ધ લીડર્સ’ના કાર્યમંત્રને પીએમ અને ગૃહમંત્રીના દિશાદર્શનમાં સાકાર કરનારો અવસર છે. ક્રેડાઈ એ હંમેશા પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ, નાણાંકીય કંપનીઓ, ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે ત્યારે આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ વિન-વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સૌના સાથ સૌના વિકાસનો કાર્યમંત્ર આપીને ગરીબ, મધ્યમવર્ગ, છેવાડાના માણસોના આહાર, આવાસ, આરોગ્ય અને અભ્યાસની ચિંતા કરી છે. ક્રેડાઈ જેવી સંસ્થાઓને પણ હેન્ડ હોલ્ડિંગથી આવા વિકાસકાર્યોમાં તેમણે જોડી છે. PMના વિકસિત ભારતના વિઝન સાથે ‘દરેકને ઘર’ આપવાના લક્ષ્યને ક્રેડાઈ સાથે જોડાયેલા હજારો ડેવલપર્સ વેગ આપી રહ્યા છે. અર્બન વિસ્તારોમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના નાગરિકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ મોદીના માર્ગદર્શનમાં નવી પહેલ પણ થઈ છે.

સીએમ પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીની આવાસ યોજનાઓમાં રિયલ એસ્ટેટ સેક્ટર સક્રિય ભૂમિકા ભજવે છે. ક્રેડાઈએ રાષ્ટ્રીય સ્તરે પાંચ વર્ષમાં 25 શહેરોમાં 10 લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય વિકાસનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તે પણ પ્રશંસનીય છે.

પીએમ મોદીએ આ દિશામાં દેશવાસીઓને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘કેચ ધ રેઈન’ દ્વારા જળસંચય કરવા, ‘એક પેડ માં કે નામ’ દ્વારા ગ્રીન કવર વધારવા, સ્વચ્છતા અને સ્વસ્થતા માટેના અભિયાનો તથા પ્રાકૃતિક ખેતી અને ગરીબોને સહાયતા, વોકલ ફોર લોકલના મંત્રથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની અને યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવી રોગમુક્ત જીવનશૈલી બનાવવા ભવિષ્યની પેઢીને આજથી બહેતર જીવન આપવા જેવા સંકલ્પો પણ આપ્યા છે જેને ચરિતાર્થ કરવા CMએ ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું.

ક્રેડાઈના નવા પ્રમુખ શેખર પટેલ સહિત નવ નિયુક્ત હોદ્દેદારો અને સમગ્ર ક્રેડાઈ ટીમને સીએમએ આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. ક્રેડાઈના નવ નિયુક્ત પ્રમુખ શેખર પટેલે નવીન જવાબદારી બદલ સૌનો આભાર માનતા કહ્યું હતું કે, સીએમ ભુપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત નાગરિકોના હિતમાં નવી પોલિસી બનાવવા અને અમલી પોલિસીમાં હકારાત્મક સુધારો કરવા સતત તત્પર હોય છે. તાજેતરમાં રાજ્ય સરકારે મહેસુલ અંતર્ગત બીન ખેતીની મંજૂરીમાં લાગતા સમયમાં ઘટાડા સહિત વિવિધ વિભાગોમાં નીતિગત સુધારા-નિર્ણયો કર્યા છે. સુરક્ષિત, સંગઠીત અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણમાં પીએમ નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ વિકસિત ભારતના સ્વપ્‍નને સાકાર કરવા રિયલ એસ્‍ટેટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે ત્યારે ક્રેડાઈ ઇન્‍ડિયા આગામી પાંચ વર્ષમાં અંદાજે ૧૦ લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય પૂરુ પાડવા તાલીમ સંસ્થાની સ્થાપના કરશે. આ ઉપરાંત, ક્રેડાઇ ગ્રીન ઈન્‍ડિયા કાઉન્‍સિલ, ક્રેડાઇ ડેટા એનાલીસીસ સેન્‍ટર, ઈઝ એન્‍ડ કોસ્ટ ઓફ ડુઈંગ બીઝનેસ, અફોર્ડેબલ હાઉસીંગ ૨.૦ જેવા પ્રોજેક્ટ ક્રેડાઇ નેશનલ દ્વારા આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ક્રેડાઈ નેશનલના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન શ્રી બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ તેની ૨૫ વર્ષની સફરમાં ૨૪ રાજ્યોમાં ૨૪૦ યુનિટ સાથે ૧૩,૦૦૦ સભ્યો ધરાવે છે. ભારતના જીડીપીમાં રિયલ એસ્ટેટ અંદાજે ૧૫ ટકાથી વધુનું યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના હાઉસ ફોર ઓલના સ્વપ્‍નને સાકાર કરવા ક્રેડાઈ પણ સહયોગ આપી રહ્યું છે. નવા પ્રમુખ તરીકે શ્રી શેખર પટેલ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ક્રેડાઈ નેશનલના પૂર્વ ચેરમેન શ્રી મનોજ ગૌરે કાર્યક્રમ ઉપસ્થિત સૌને આવકારી તેમની બે વર્ષની સફરની વિશે જણાવતાં કહ્યું હતું કે, ક્રેડાઈએ તેની સ્થાપનાથી લઈને ૨૫ વર્ષમાં ખુબ જ સુંદર કામગીરી કરી છે. આગામી સમયમાં નવી ટીમ પણ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કામગીરી કરશે. ક્રેડાઈના નવા સેક્રેટરી શ્રી ગૌરવ ગુપ્તાએ આભાર વિધિ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્રેડાઈની પરંપરા મુજબ નિવૃત્ત થતા પ્રમુખ શ્રી બોમન ઈરાની દ્વારા નવીન પ્રમુખ શ્રી શેખર પટેલને બેટન સોંપવામાં હતી. આ સેરેમની દરમિયાન ક્રેડાઈ નેશનલ ટીમ જેમાં વર્ષ ૨૦૨૫-૨૭ માટેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને કમિટીની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘મારું અમદાવાદ’ પુસ્તક તથા ‘ગ્રીન બિલ્ડિંગ’ અહેવાલનું વિમોચન તેમજ સ્કિલ ડેવલપમેન્ટ અંગે ક્રેડાઈ, NSDC અને QCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ક્રેડાઈ નેશનલની નવીન ટીમ તરીકે આગામી સમયમાં કાર્ય કરનાર પ્રમુખ શ્રી શેખર પટેલ, ઉપપ્રમુખ શ્રી આશિષ પટેલ તેમજ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી સહિત હોદેદારોનો વિસ્તૃત પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પદ્મશ્રી અને ઉદ્યોગપતિ શ્રી પંકજ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણી, અમદાવાદ મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, ક્રેડાઈ ઈન્ડિયાના હોદેદારો, સભ્યો‌ સહિત મોટી સંખ્યામાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.