December 27, 2024

મને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરોઃ સીઆર પાટીલ

અમદાવાદઃ ગુજરાત ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે હાઇકમાન્ડને વિનંતી કરી હતી.

તેમણે સંબોધનમાં કહ્યુ હતુ કે, ‘આપણે નિર્ણય કર્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો હોવો જોઈએ. તો મેં હાઇકમાન્ડને વિનંતી કરી છે અને તમને પણ વિનંતી કરું છું કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. અન્ય કોઈને જવાબદારી સોંપો, જે બધાને સાથે રાખીને ચાલે.’

મોટી લીડ સાથે લોકસભા ચૂંટણીમાં જીત્યા
સીઆર પાટીલ નવસારીમાંથી મોટી લીડ સાથે લોકસભા ચૂંટણી 2024માં જીત્યા હતા અને ત્યારબાદ તેમને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. હાલ તેઓ નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મમાં કેન્દ્રીય મંત્રી છે. તેમને જળશક્તિ વિભાગ સોંપવામાં આવ્યો છે. આ સાથે સાથે તેઓ ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ છે.