January 28, 2025

CR પાટીલનો કોંગ્રેસ પર પ્રહાર – લોકોને ખ્યાલ આવી ગયો છે કે કોંગ્રેસની માનસિકતા કેવી છે

અમિત રુપાપરા, સુરતઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા મત વિસ્તારના મતદાતાઓ જોડે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. સુરતના વેસુ VIP રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશોની મુલાકાત કરી તેમણે આગામી 7 મેના રોજ ભાજપને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાંઓ સંદર્ભે કરાયેલી ટિપ્પણી મામલે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ ફરી પલટવાર કર્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, લોકોને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે, કોંગ્રેસની માનસિકતા કેવી છે. જેના કારણે કોંગ્રેસ પાસે કોઈપણ મુદ્દાનો વિકલ્પ રહ્યો નથી અને તેના કારણે આ પ્રકારના મુદ્દા ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીના રાજા રજવાડાંઓ સંદર્ભે નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ વળતો શાબ્દિક પ્રહાર કર્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું છે કે, હાલ દેશભરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ દ્વારા અલગ અલગ નિવેદનબાજી કરી અસમજસની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. પોતાના પાપ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે, ‘અંગ્રેજો અને રાજા રજવાડાંઓ વચ્ચેના સંબંધો હતા. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. લોકો પાસેથી છીનવવાની માનસિકતા માત્ર કોંગ્રેસ પાસે છે. લોકોને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે, કોંગ્રેસથી માનસિકતા કેવી છે. જેના કારણે કોંગ્રેસ પાસે કોઈપણ મુદ્દાનો વિકલ્પ રહ્યો નથી અને તેના કારણે આ પ્રકારના મુદ્દા ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગતરોજ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. જ્યાં તેઓ દ્વારા આદિવાસી સમાજના લોકોને ખોટી રીતે ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી બંધારણને બદલવાનો પ્રયાસ કરી રહી છે. બંધારણનું ગળું દબાવ્યું હોય તો તે એક માત્ર કોંગ્રેસ હતી. કટોકટીના સમયે ઇન્દિરા ગાંધીએ બંધારણ પણ તરાપ મારી હતી. લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. પત્રકારો જ્યારે આ બાબતે પ્રશ્ન પૂછતા ત્યારે પત્રકારોને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બંધારણનું ગળું દબાવી પત્રકારોનો અવાજ દબાવી દેવો અને વિપક્ષને પણ જેલમાં નાખી દેવા તે કોંગ્રેસની હંમેશાથી ચાલી આવેલી માનસિકતા છે. જે સંપૂર્ણ બાબત દેશના લોકો જાણે છે.’

ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કહ્યું છે કે, અહીં જે કોઈ વ્યક્તિનું અવસાન થાય તો તેવા વ્યક્તિની અડધી સંપત્તિ લઈ લેવી જોઈએ. જેની સામે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ સંપત્તિ અમે લઈ લઈશું અને સર્વે કરાવી લોકોમાં વહેંચી દઈશું. પરંતુ કોને વહેંચી દેવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોંગ્રેસની સરકાર આવશે તો આ પ્રકારે અડધી સંપત્તિ લઈ લેવામાં આવશે અને લઘુમતી સમાજના લોકોને વહેંચી દેવામાં આવશે તેમ કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના અગાઉના પૂર્વ પ્રધાનમંત્રી માનમોહન સિંહને પણ કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર સૌથી પહેલા અધિકાર લઘુમતી કોમનો છે. તેઓ જે લોકોને ખુશ કરવા માંગતા હતા તેઓ ખુશ થયા નહોતા. ત્યારબાદ મોની બાબા પરત બોલ્યા હતા કે, આ દેશની સંપત્તિ ઉપર મુસલમાનોનો હક છે. પરંતુ હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર ગરીબ વર્ગના લોકોનો છે. તે જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કઈ છે. જેની સામે કોંગ્રેસની વિચારધારા સૌ લોકો સમક્ષ છે.