January 28, 2025

સીઆર પાટીલના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – બફાટ કરવાનો તેમનો સ્વભાવ છે

cr patil attacked on congress said His nature is to spoil

અમિત રુપાપરા, સુરતઃ નવસારી લોકસભામાં આવતા સુરતના પારલે પોઇન્ટના બ્રિજવાસી એપાર્ટમેન્ટના રહીશો સાથે સીઆર પાટીલે મુલાકાત કરી હતી અને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. આ ઉપરાંત પરેશ ધાનાણીએ કરેલા પાટીદાર સમાજ તેમજ ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને સીઆર પાટીલે આકરા પ્રહારો કોંગ્રેસ પર કર્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચૂંટણીનો પ્રચાર તેજ કર્યો છે. તેમને સુરતના પારલે પોઇન્ટ નજીક બ્રિજવાસી એપાર્ટમેન્ટના મતદાતા જોડે સંવાદ કર્યો હતો. નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતા બ્રિજવાસી એપાર્ટમેન્ટના રહીશો સાથે સંવાદ કરતા સીઆર પાટીલે જણાવ્યુ હતુ કે, હું તમારો એકનો મત નહીં પરંતુ તમારા ફોનમાં જે ચારથી પાંચ હજાર મતો છે તે અને તમારી પૂરી તાકાત લેવા માટે અહીં આવ્યો છું. આ ચૂંટણી કોઈ ઉમેદવાર નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડી રહ્યા છે. એટલે તમારા ફોનમાં જેટલા પણ કોન્ટેક્ટ છે તે તમામ કોન્ટેક્ટમાં ફોન કરીને અથવા તો મેસેજ કરીને ભાજપને મત આપવાનું જણાવજો. જે તે વિસ્તારનું ઉમેદવાર જો તમારા સંબંધીને કે વ્યક્તિને પસંદ ન હોય તો પણ ભાજપને મત આપવાનું કહેજો અને જીત્યા પછી જો આ ઉમેદવાર પોતાનું કામ ન કરે તો તમે મને કહેજો. હું મોદી સાહેબને તમારી વાત પહોંચાડીશ. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવેલા ક્ષત્રિય અને પટેલ સમાજ બાબતેના નિવેદનને લઈ આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓના નિવેદનો શુદ્ધ ગુજરાતીઓમાં કહેવામાં આવે તો તેમને બફાટ કરવાનો તેમનો સ્વભાબ છે. આજે કોંગ્રેસને ભીત ઉપર હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં 26સે 26 સીટ ભાજપ જીતી રહ્યું છે. ક્યારે આ બોખલા હટના કારણે ગમે તેવા નિવેદનો કરવા ગમે તે સમાજ માટે બોલવું તે તેમનો સ્વભાવ રહ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં જે કહ્યું કે, આ લોકો લૂંટ કરતા હતા અને કોઈની પણ જમીન લુંટી લેતા હતા પરંતુ તેમને કદાચ ઇતિહાસ ખબર નથી. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલના કે ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના રાજાએ સૌથી પહેલા પોતાનું રજવાડું આપી દીધું હતું અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે તેનાથી વધુ રજવાડાઓ અખંડ ભારતના નિર્માણમાં રાજાઓએ આપી દીધા. જેનો સ્વભાવ લૂંટ ન હોય તેવો ક્યારેય આ પ્રકારે સમર્પિત ન થઈ શકે દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજમાં જબરજસ્ત છે અને કોંગ્રેસને ક્યારેય એમની કદર નથી.

તેમને વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે ક્ષત્રિયોને આપેલા પ્રોમિસ હતા તે પણ બંધ કર્યા છે. ખૂબ મોટો અન્યાય તેઓ ક્ષત્રિયો સાથે કરતા આવ્યા છે અને કોંગ્રેસે દેશના રાજા મહારાજાઓ અને ખાસ કરીને ગુજરાતના રાજા મહારાજાઓના ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતમાં ભાવનગર, વડોદરા કે ગોંડલ કે પછી અન્ય રાજાઓએ પણ ખૂબ સારો વહીવટ કર્યો છે. તેમને શિક્ષણને ખૂબ જ વધારે પ્રાધાન્ય આપ્યું છે. આ રાજાઓએ ખેતીને મહત્વ આપીને લોકોને જાગૃત કર્યા ખેતી માટે પાણીની વ્યવસ્થા કરી, મહિલાઓની સુરક્ષા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી આવા સારા વહીવટના કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં આ રાજાઓના નામનું એક મહત્વ છે અને પ્રજા તેમને આજે પણ સન્માનથી તેમના નામનું ઉચ્ચારણ કરે છે.

તેમને કોંગ્રેસ બાબતે જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ કે જેને પટેલ અને ક્ષત્રિય સમાજ માટે જે શબ્દો કહ્યા છે ત્યારે પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો છે. અખંડ ભારતના નિર્માણનો જશ કોઈને જાય છે તો તે સરદાર વલ્લભભાઈ પટેલે જાય છે. આવાં મહાપુરુષોએ જે સમાજમાં જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં પણ આ સમાજે ખૂબ સારું યોગદાન આપ્યું છે આવા સમાજ માટે હલકી વાત કરવી તે કોંગ્રેસને શોભતું નથી. કોંગ્રેસે બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માગવી જોઈએ. હાર અને જીત ચાલતી આવે છે અને એમને તો હવે હારવાની ટેવ પડી ગઈ છે. છેલ્લી વાર પણ તેઓ હારી ગયા છે અને હવે પણ તેઓ હારવાના છે. તેઓ હાર સહજતાથી સ્વીકારે તેવું મારું એક સૂચન છે.