December 23, 2024

CPI Inflation in July: જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને 3.54% થયો

CPI Inflation in July: જુલાઈમાં વાર્ષિક ધોરણે ભારતનો રિટેલ ફુગાવાનો દર ઘટીને 3.54 ટકા થયો હતો. સોમવારે સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા પરથી આ માહિતી સામે આવી છે. રિટેલ ફુગાવાનો દર લગભગ પાંચ વર્ષમાં પ્રથમ વખત ભારતીય રિઝર્વ બેન્કના 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી નીચે આવી ગયો છે. ઓગસ્ટ 2019માં છૂટક ફુગાવાનો દર 3.28% હતો. ખાદ્યપદાર્થોની વધતી કિંમતોને કારણે જૂનમાં પાંચ મહિનામાં પ્રથમ વખત દર વાર્ષિક ધોરણે 5.08 ટકા થયો હતો. જુલાઈ 2023માં છૂટક ફુગાવાનો દર 7.44 ટકા હતો. 36 અર્થશાસ્ત્રીઓના સર્વેમાં આ આંકડો ઝડપથી ઘટીને 3.65 ટકા થવાનો અંદાજ હતો.

ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI)ની 2-6 ટકાની સહનશીલતા રેન્જમાં રહે છે. ખાદ્ય ફુગાવાનો દર, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) બાસ્કેટનો અડધો હિસ્સો ધરાવે છે, જુલાઈમાં તે ઘટીને 5.42 ટકા થઈ ગયો, જ્યારે જૂનમાં તે 9.36 ટકા અને જુલાઈ 2023માં 11.51 ટકા હતો. જુલાઈમાં શાકભાજીના ભાવમાં વાર્ષિક 6.83 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગયા મહિને જૂનમાં આ આંકડો 29.32% હતો.

જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2%નો વધારો થયો છે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 4 ટકાનો વધારો નોંધાયો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 5.2 ટકાનો વધારો થયો હતો, જે એક વર્ષ અગાઉ 4.7 ટકા વૃદ્ધિની સરખામણીએ હતો.