December 28, 2024

માનહાનિના કેસમાં કોર્ટે મેધા પાટકરને 5 મહિનાની જેલ, 10 લાખનો દંડ

Defamation Case: દિલ્હીની સાકેત કોર્ટે પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે મેધા પાટકર પર 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની રકમ વીકે સક્સેનાને ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને બદનક્ષીનો દોષી ઠેરવ્યો અને તેમને સક્સેનાની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. આ ઉપરાંત કોર્ટે ઉંમર ટાંકીને દલીલને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ કેસ 25 વર્ષ સુધી ચાલ્યો.

સજા મળ્યા બાદ મેધા પાટકરે શું કહ્યું?
જો કે, કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389(3) હેઠળ 1 ઓગસ્ટ સુધી તેની સજાને સ્થગિત કરી હતી જેથી કરીને તે આ આદેશ સામે અપીલ કરી શકે. કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા પાટકરે કહ્યું, “સત્યનો ક્યારેય પરાજય થઈ શકતો નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી, અમે ફક્ત અમારું કામ કરીએ છીએ. અમે કોર્ટના નિર્ણયને પડકારીશું.”

વીકે સક્સેનાના વકીલે શું કહ્યું?
વીકે સક્સેનાના વકીલે કહ્યું કે તેમને કોઈ વળતર જોઈતું નથી, તે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA)ને આપશે. કોર્ટે કહ્યું કે ફરિયાદીને વળતર આપવામાં આવશે અને પછી તમે તમારી ઈચ્છા મુજબ તેનો નિકાલ કરી શકો છો.

શું છે મામલો?
જ્યારે આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે વીકે સક્સેના નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ નામના એનજીઓના પ્રમુખ હતા. તેણે 2001માં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમના કહેવા મુજબ પાટકરે અખબારી યાદી જારી કરીને બદનામી કરી હતી.