November 26, 2024

સુરતમાં કોર્ટ કમિશનનો સપાટો, ડુપ્લિકેટ ઘડિયાળો વેચતી દુકાનોમાં દરોડા

અમિત રૂપાપરા, સુરત: સુરતમાંથી અગાઉ અનેક બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થતું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વોચ બનાવી ઉંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો કરવામાં આવ્યો હતો.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી. તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો.

આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રીપેરીંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા જણાય અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ વોચ ડુપ્લીકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર 40થી 50 રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરીયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું. માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, એસએસ એન્ટરપ્રાઇઝ, નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુબલીકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો. કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે, ચાલુ વર્ષમાં 6 કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ તપાસમાં આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે વોચનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.