ધર્મ કરતા ધાડ પડી, રસ્તા પર બેભાન પડેલા યુવાનને દંપતીએ મદદ કરતા હુમલો કર્યો, પતિનું મોત

હાલોલ: ધર્મ કરતા પડી ધાડ આ ઉક્તિને યથાર્થ ઠેરવતો કિસ્સો પંચમહાલના હાલોલ તાલુકામાં બન્યો છે. જ્યાં મદદ કરવા જતા મોત મળી ગયું, એક નિર્જન રસ્તા પર બેભાનની જેમ પડી રહેલા યુવાનને ઉઠાડી તેની મદદ કરવા પ્રયત્ન કરતા એક દંપતી પર આ યુવાને હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
હાલોલ તાલુકાના કંજરી ગામ નજીકની સીમમાં લાકડા વીણવા એક દંપતી જઈ રહ્યું હતું. લાલાભાઇ નાનજીભાઈ નાયક તેઓની પત્ની મંજુલાબેન સાથે બળતણના લાકડા વીણવા જતા હતા. તે દરમિયાન સુમસામ રસ્તા પર કોઇ બેભાન હાલતમાં પડી રહ્યું હોવાનું નજરે પડતા મદદ કરવાની ઈચ્છા સાથે બન્ને જણા બેભાન પડી રહેલા યુવાનની નજીક ગયા અને તેને ઉઠાડીને પુછપરછ કરવા લાગ્યા. આ દરમિયાન લાલાભાઇએ પોતાની પાસે રહેલ મોબાઈલમાં આ યુવાનની સાથે કરેલ પુછપરછનો વીડિયો પણ બનાવ્યો હતો.
યુવાન આ પતિ-પત્નીને યોગ્ય જવાબ આપી રહ્યો નહોતો, પરંતુ વધુ પડતી પુછપરછથી કંટાળીને આવેશમાં આવી યુવાને લાલાભાઇને અચાનક ધક્કો મારી નીચે પાડી દઈ બાજુમાંથી પથ્થર ઉંચકીને ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા અને અચાનક થયેલ હુમલામાં તેની પત્ની બચાવ કરે એ પહેલા લાલાભાઇને માથાના ભાગે થયેલ જીવલેણ ઈજાઓને કારણે મોત નીપજી ગયું, અને આ ઘટના બાદ આ યુવાન ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.
આમ આ અચાનક બનેલ ઘટનાથી હેબતાઈને પત્ની મંજુલાબેનએ આસપાસ બુમો પાડી મદદ માંગી પણ સુમસામ જગ્યાએ કોઇ નોહતું. જેથી લાલાભાઇને બચાવી ના શકાયા અને ઘટના સ્થળે જ લાલાભાઇનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગેની ફરિયાદ પત્ની મંજુલાબેને હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મૃતક લાલાભાઇ દ્વારા બનાવેલ વીડિયોના આધારે આસપાસ તપાસ કરતા હત્યારા શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ અને હત્યારા શખ્સનું નામ કલ્પેશકુમાર દલપતસિંહ ચૌહાણ હોવાનું ખબર પડી અને આ શખ્સને પોલીસે ઝડપી ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.