December 18, 2024

જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કૂતરા છોડ્યા

નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. આ બજેટમાં યુવા મહિલા, ખેડૂત અને ગરીબ વર્ગને અગ્રતા આપીને અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં કમિશનર ડી.એન. મોદીએ 685 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમા નલ સે જલ યોજના તથા અમૃત 2.0 યોજના હેઠળ કામો આવરી લેવાયા છે. પરંતુ મહાનગરપાલિકાનું અંદાજપત્ર રજૂ થાય તે પહેલાં વિરોધ કરવાનો સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર જામનગર મહાનગર પાલિકાએ વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું છે. પરંતુ કોંગી નગરસેવીકાએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના રચના નંદાણીયાએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે બજેટમાં રખડતા શ્વાનનો મુદ્દો લેવા વિરોધ કર્યો છે. નોંધનીય છે કે તેઓ મનપા કચેરી ખાતે શ્વાનને લઇને પહોંચ્યા હતા. અહીં તેમણે કચેરીના પટાંગણમાં શ્વાનો સાથે બેસીને વિરોધ દર્શાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકામાં કૂતરા કરડવાને લઇને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે રસ્તામાં જાહેર જનતાને શ્વાન કરડવાની ઘટના સામે આવતી રહે છે. તો આ શ્વાનને એક હોસ્પિટલમાં રાખવા જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું કે કૂતરાઓને માર મારવામાં આવે છે. તેમને પણ ન્યાય મળવો જોઇએ.

નોંધનીય છે કે વિધાનસભામાં ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરતાં કહ્યું હતુ કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી છે.