કોરોના મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓની સહાયમાં પણ કૌભાંડ? ઓડિયો વાયરલ થતા બે કર્મી સસ્પેન્ડ

રાજકોટઃ કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓને આપવામાં આવેલી સહાયમાં પણ કૌભાંડ થઈ હોવાની આશંકા છે. PGVCLના કોરોનામાં મૃત્યુ પામેલા 48 કર્મચારીઓના પરિવારને રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવી હતી. ત્યારે PGVCLના 2 અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે.
PGVCL કોર્પોરેટ કચેરીના HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ ડિવિઝનના ડેપ્યુટી ઈજનેર કેએન મિયાત્રા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે કે, સહાય પેટે રૂપિયા 25 લાખ જમા થાય તો રૂપિયા 10 લાખ આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારે બંને અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે PGVCLના એચઆર મેનેજર અવિનાશ કટારાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ છે કે, કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને 25 લાખ આપવા માટેની સરકારે જાહેરાત કરી હતી. વર્ષ 2020-21માં કોરોનામાં ઓન ડ્યુટી રહેલા સરકારી કર્મચારીઓ મૃત્યુ પામેલા. જેમાં સહાય પેટે રૂપિયા 25 લાખ ચૂકવ્યા હતા. કેસ પતાવી આપવા માટે અધિકારીઓએ પરિવાર પાસે રૂપિયા માગ્યા હતા. રૂપિયા માગ્યા છે આપ્યા પણ નથી અને લીધા પણ નથી. ઓડિયો અમારે ધ્યાને આવતા તાત્કાલિક અસરથી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.