December 24, 2024

કોરોનાએ ફરી વધારી અમદાવાદની ચિંતા

ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો (ફાઇલ ફોટો)

અમદાવાદ : ભારત સહિત અનેક રાજ્યોમાં કોરોનાના વઘતા કેસને કારણે ફરી ચિંતામાં વધારો થયો છે. બીજા રાજ્યોની સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વધી રહેલાં કેસને કારણે આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે અને ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે, જેમાં અમદાવાદમાં 57 દર્દીઓમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ગુજરાતમાં કોવિડના એક્ટિવ કેસોમાં તમામ જિલ્લાઓ કરતાં અમદાવાદમાં વધુ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા 57 એક્ટિવ કેસમાંથી 55 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 8 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. બીજી બાજુ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. જેમાં આ દર્દીઓમાં 4 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આ લોકો જૂનાગઢ, ગોવા, કેનેડા, આંદામાન-નિકોબારના પ્રવાસેથી ગુજરાત પરત ફર્યા છે. કોરોનાના વધતા કેસને પગલે તંત્ર જાગી ગયું છે અને વ્યવસ્થાઓ શરુ કરી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ટેન્સિવ સર્વેલન્સ અને એનહાન્સ્ડ ટેસ્ટિંગના ભાગરૂપે આજે સવારે અમદાવાદમાં કોરોના મોબાઇલ પરીક્ષણ વાન શરૂ કરવામાં આવી છે. શહેરના 7 ઝોન માટે 7 વાનની વ્યવસ્થા કરી દીધી છે. આ દરેક વાનમાં એક સર્વેલન્સ ટીમ થર્મલ ગન સાથે અને સેમ્પલ લેવા માટે એક ટેસ્ટીંગ ટીમ હાજર રહેશે.